શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા જામનગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પહેલા હર ઘર ભગવા અભિયાનનો થશે શુભારંભ

  • August 17, 2026 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા જામનગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પહેલા હર ઘર ભગવા અભિયાનનો થશે શુભારંભ

જામનગરથી શ્રાવણ સુદ સાતમથી હર ઘર ભગવા અભિયાનનો કરાશે શુભારંભ : ખાસ સેલ્ફી બનાવવા માટે ઑનલાઇન લિંકનું પણ લોકાર્પણ કરાશે 

જન્માષ્ટમી પહેલા કાન્હાને મારું માખણ ધરાવવા પણ કરાઈ વ્યવસ્થા 

જામનગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની 20મી સાર્વજનિક શોભાયાત્રાના આયોજન અંતર્ગત હર ઘર ભગવા અભિયાન અને કાન્હા ને મારું માખણ કાર્યક્રમ થકી ભક્તિમય વાતાવરણ સર્જવા બેઠક માં નક્કી કરાયું છે.

જામનગરના 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજના સાનિધ્યમાં મળેલી બેઠકમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 4, સપ્ટેમ્બર, 2026ના છોટી કાશી ગણાતા જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય દિવસે સવારે 8:30 કલાકે ખીજડા મંદિર ખાતેથી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે. તેમાં વિવિધ ધાર્મિક સામાજિક અને રાજકીય સંસ્થાઓના ધાર્મિક ફ્લોટ્સ જોડાશે. આ ઉપરાંત ઠેર ઠેર મટકી ફોડ અને સ્વાગત, પ્રસાદ વિતરણના કાર્યક્રમનું પણ આયોજન હાથ ધરાયું છે.

આગામી બુધવારે હર ઘર ભગવા અભિયાનનો થશે શુભારંભ:
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના આગમન પહેલા જ તારીખ 19, ઓગસ્ટ, 2026 ના બુધવારે શ્રાવણ સુદ સાતમના સાંજે 7:00 વાગ્યે 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ અને વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને ભક્તજનોની ઉપસ્થિતિમાં સનાતનની ગૌરવ સાથે હર ઘર ભગવા અભિયાનનો પણ શુભારંભ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જામનગર શહેરમાં વસતા સનાતનની ધર્મના અનુયાયીઓ પોતાના ઘર અને પ્રતિષ્ઠાનોમાં સનાતન સંસ્કૃતિની ગૌરવભેર ઝાંખી કરાવતો ભગવો ધ્વજ લગાવી ધર્મમયી વાતાવરણ સર્જવા સૌપ્રથમ વખત આયોજન કરાયું છે.
​​​​​​​જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 5,000 થી વધુ ખાસ ભગવા ધ્વજ બનાવી વિતરણ કરવામાં આવી રહ્યા છે. અને લોકો પણ સ્વયંભૂ પોતાના ઘર ઉપર હર ઘર ભગવા અભિયાનને સમર્થન આપી ગૌરવભેર ભોગવો ધ્વજ લગાવે તે માટે સંતો મહંતોએ આહવાન પણ કર્યું છે. આ સાથે જ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા અને હર ઘર ભગવા અંતર્ગત સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી ખાસ ડિજિટલ સેલ્ફી નું પણ લોકાર્પણ કરવામાં આવશે. 

જામનગરના રાજમાર્ગો પર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના આગમન પહેલા સાર્વજનિક શોભાયાત્રા ના આયોજનમાં ધર્મપ્રેમીઓને જોડતા બેનરો અને હોર્ડિંગ્સ લગાવવા માટે પણ વિવિધ દાતાઓ, શહેરના મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓના સહયોગથી સંકલન કરવામાં આવી રહ્યું છે. 

કાન્હાને મારું માખણ ધરાવવા અનોખું આયોજન:
જન્માષ્ટમી પહેલા 3, સપ્ટેમ્બર,2026ના ગુરુવારે શ્રાવણ વદ સાતમના કાન્હાને મારું માખણ અંતર્ગત દરેક ભક્તો, સત્સંગ મંડળ અને ધર્મ પ્રેમીઓને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રા દરમિયાન માખણ ધરાવવા માટે પણ સતત બીજા વર્ષે આયોજન કરાયું છે.

​​​​​​​જામનગર શહેરમાં સતત ૧૯ વર્ષથી યોજાતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા 20 માં વર્ષે પણ અવિરત આયોજન કરાયું છે જેના આયોજન માટે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈ પીઠિયા, ભરતભાઈ ડાંગરિયા, કિશનભાઇ વસરા સહિતના અગ્રણીઓ દ્વારા સુચારુ અને ભવ્ય આયોજન માટે સંકલન કરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application