ખંભાળિયા: પોલીસની ખોટી ઓળખ આપી બાઈક ચાલક પાસેથી તોડ

  • October 08, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: પોલીસની ખોટી ઓળખ આપી બાઈક ચાલક પાસેથી તોડ 

દંડનો ભય બતાવી, અજાણ્યા શખ્સે રૂ. ૫૦૦ પડાવી લીધાની ફરીયાદ

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા એક યુવાનને રોકીને અજાણ્યા શખ્સે પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી, બાઈક અંગેનો દંડ ભરવાનો ભય બતાવી, રૂ. ૫૦૦ ની રકમ મેળવી લેવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઓલિયા પીરની દરગાહની બાજુમાં રહેતા આમદ કરીમભાઈ સંઘાર નામના ૨૪ વર્ષના યુવાને જાહેર કરેલી વિગત મુજબ ગત તા. ૨ ઓક્ટોબરના રોજ ફરિયાદી આમદ તથા તેમના સંબંધી અનીશ અખ્તર ચબા તેમના મોટરસાયકલ નંબર જી.જે. ૩૭ એ.એ. ૨૧૭૮ માં બેસીને ખંભાળિયા આવ્યા બાદ પોતાનું કામ પતાવીને સલાયા પરત જઈ રહ્યા હતા. ત્યારે અહીંના સલાયા હાઈવે નજીક સર્વિસ રોડ પાસેના ઓવરબ્રિજ નીચેથી પસાર થતી વખતે ટીવીએસ કંપનીના એક મોટરસાયકલ પર સાદા કપડામાં ઉભેલા એક યુવાને તેમને અટકાવી અને પોતે ટ્રાફિક પોલીસ હોવાની ઓળખ આપી હતી.

આ પછી આ અજાણ્યા શખ્સે ફરિયાદી આમદ સંઘારને કેટલી પૂછપરછ કરી, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ વાહનના કાગળ માંગ્યા હતા. જે તેમણે બતાવતા આરોપી શખ્સએ "તમે હેલ્મેટ પહેરેલ નથી, તેમજ ડ્રાઇવિંગ કરતી વખતે બુટ પહેરવા ફરજિયાત છે" તેમ કહી તેમના પર કેસ કરવાનું જણાવ્યું હતું. આટલું જ નહીં, તેમણે રૂ. ૫,૦૦૦ નો દંડ ભરવો પડશે અને જો દંડ ન ભરવો હોય તો કેસ થશે ચાલો ચોકીએ". આ રીતના વાત કર્યા બાદ આરોપી શખ્સે હાલ રૂ. ૫૦૦ નો દંડ ભરો એમ કહી, રૂ. ૫૦૦ ની રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હતી.

આ પછી દંડની પાવતી માંગતા તેણે કહ્યું હતું કે "પાવતી ન હોય. તું અહીંથી નીકળી જા. નહિતર ચોકીએ લઈ જઈશ". તેમ કહી આ શખ્સ પોતાના મોટરસાયકલ પર અહીંથી નીકળી ગયો હતો. આ બનાવ અંગે ફરિયાદી આમદ સંઘારે તપાસ કરતા આ પ્રકારે કોઈ જ વ્યક્તિ પોલીસમાં ન હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે આમદ કરીમ સંઘારની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે પોતે પોલીસ ન હોવા છતાં પણ પોલીસની ઓળખ આપી, ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક રૂ. ૫૦૦ કઢાવી લેવા સબબ વિધિવત રીતે ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. જે.ટી. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application