મુરઝાતી મોલાત, હાલારમાં ૧૫ દી માં વરસાદ નહીં તો પાક નિષ્ફળની ભીતિ.!

  • August 24, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુરઝાતી મોલાત, હાલારમાં ૧૫ દી માં વરસાદ નહીં તો પાક નિષ્ફળની ભીતિ.!

ચિંતાના વાદળો: પિયતની સુવિધાના કારણે આગોતરૂ વાવેતર પણ વરસાદ ખેંચાતા ખેતરોમાં બોર-કૂવામાં પાણી ખૂટતા પાકમાં રોગચાળાનો ખતરો

તીવ્ર પવનથી ખેતરોમાં પાકના ડોડવા સૂકાવાનો ભય: પશુના ઘાસચારાના ઉત્પાદનમાં પણ ઘટાડાની શકયતા: શિયાળુ પાકના વાવેતર પણ માઠી અસર થશે

હાલારમાં મેઘરાજાએ રૂસણા લેતા વરસાદમાં ભારે વિલંબથી વાવેતર થયેલા ચોમાસું પાક પર ભારે ચિંતાના વાદળો ઘેરાયા છે. હવે જો આગામી પખવાડીયામાં વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળની ભીતિ કૃષિ તજજ્ઞોએ વ્યકત કરી છે. પિયતની સુવિધાના કારણે આગોતરૂ વાવેતર પણ વરસાદ ખેંચાતા ખેતરોમાં બોર-કૂવામાં પાણી ખૂટતા પાકમાં રોગચાળાનો ખતરો ઉભો થયો છે. તીવ્ર પવનથી ખેતરોમાં પાકના ડોડવા સૂકાવાની ફરિયાદો પણ ઉઠી છે. પશુના ઘાસચારાના ઉત્પાદનમાં પણ ઘટાડાની શકયતા અને શિયાળુ પાકના વાવેતર પણ માઠી અસર થશે તેમ કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છેે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે વિવિધત ચોમાસાના ૩ મહીના પૂર્ણ થવા છતાં હજુ મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી. આથી પાણી અને પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. ખાસ કરીને ચોમાસુ પાકનું વાવેતર નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઇ છે. જામનગર બાજરા સંશોધન કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ કાંતિભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે, એકાદ મહીના પહેલા જામનગર જિલ્લામાં અઢી ઇંચ જેટલો વરસાદ થતાં જે ખેડૂતોએ ચોમાસું પાકનું વાવેતર કર્યું ન હતું તેઓએ પણ વાવણી કરી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨ ટકાથી વધુ વાવેતર થઇ ચૂકયું છે. જે ખેડૂતોને પિયતની સુવિધા હતી તેઓએ આગોતરૂ અને જેઓ વરસાદની રાહ જોતા હતા તેઓએ પાછળથી ચોમાસું પાકનું વાવેતર કર્યું છે. પરંતુ ચોમાસાની સીઝનને ત્રણ મહીના પૂર્ણ થવા છતાં વાવેતર બાદ પાકને પોષણ મળે તેવો વરસાદ થયો નથી. આથી હાલમાં તો જો આગામી ૧૫ દીવસમાં વરસાદ નહીં થાય તો જિલ્લામાં ચોમાસું પાક નિષ્ફળ જવાની શકયતા નકારી શકાતી નથી. 

આટલું જ નહીં જે ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યું હતું તેના ખેતરોમાં આવેલા કૂવા અને બોરમાં પાણી ડચકા ખાતા પિયતના અભાવે જેટલો ચોમાસુ પાક થયો છે તેમાં રોગચાળાની શકયતા નકારી શકાતી નથી. પાકને પાણી ન મળતા ડોડવા ખરી જવાની ભીતિ છે. આટલું જ નહીં પવનની ગતિ વધુ રહેતા પાણીના અભાવે પાકના ડોડવા સૂકાઇ જવાની શકયતા પણ છે. જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્ય પાક મગફળી અને કપાસનું વાવેતર વધુ થયું છે. જયારે કઠોળનું પણ વાવેતર અમુક ખેડૂતોએ કર્યું છે. પરંતુ ચોમાસુ પાક પર હાલતો વરસાદના વિલંબ, પિયતની સુવિધાનો અભાવના કારણે સંકટના વાદળો ઘેરાયા છે. જે ખેતરોમાં ચોમાસું પાક ઉભો છે તેને પિયતની તાતી જરૂર છે. આથી જો પંદેરક દીવસમાં વરસાદ નહીં આવે તો ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ તેમણે વ્યકત કરી છે. આટલું જ નહીં શિયાળુ પાકના વાવેતરમાં પણ ભારે મુશ્કેલી પડશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

વરસાદના અભાવે જમીનમાં ભેજની ખેંચ હોય ત્યાં ઉભા પાકને ટીપા-સ્પ્રીન્કલર પઘ્ધતિથી પીયત આપવું:
-મુખ્યપાક ચોમાસું મગફળીમાં મોલોમશી, નિંદામણ, સફેદફુગ, પાનના ટપકા  નો રોગ જોવા મળે તો જંતુનાશક દવાનો છંટકાવ, આંતરખેડ અને નિંદામણ કરવું.
-કપાસના ડાળી,ફુલમાં તડતડીયા, મોલો, સફેદ માખી, અલ્ટરનેરીઆ ફુગ જોવા મળે તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
-તલમાં ફુલ-બૈઢામાં અલ્ટરનેરીઆ ફુગ, પાન વાળનાર ઇયળ, પાન કથીરી જોવા મળે તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો અને તલમાં હળવી જમીનમાં હળવું પિયત કરવું.
-મગમાં ફુલ-શીંગમાં, અડદમાં ફુલ, ચોળીમાં ફુલ-શીંગમાં મોલોનો ઉપદ્રવ થાય તો જંતુનાશક દવાનો પાણીમાં મિકસ કરી છંટકાવ કરવો.
-દીવેલામાં ઉગાવો-વૃધ્ધિ દેખાય તો જમીનમાં ભેજ સંગ્રહ માટે દીવેલામાં આંતરખેડ અને નિંદામણ કરવું. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application