દ્વારકામાં કોન્ટ્રાક્ટ પૂરો થતાં ૧૫૦થી વધુ મહિલા સફાઈ કર્મચારીઓને છૂટા કરાયા
અચાનક રોજગારી બંધ થતાં મહિલાઓમાં રોષ સાથે પરિવારના ગુજરાનની ચિંતા
યાત્રાધામ દ્વારકામાં સફાઈ કામગીરી સાથે સંકળાયેલી ૧૫૦ થી વધુ મહિલા સફાઈ કર્મચારીઓને અચાનક કામ પરથી છૂટા કરવાની જાણ થતાં ભારે રોષ અને મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હતી. બુધવારે પણ મહિલાઓ પાસે નિયમિત રીતે બપોર સુધી સફાઈ કામગીરી કરાવવામાં આવી હતી અને ત્યારબાદ હાજરી પણ પુરાવવામાં આવી હતી. જોકે, હાજરી પૂર્યા બાદ જ આવતીકાલથી કામ પર આવવાનું નથી તેવી જાણ કરવામાં આવતા મહિલાઓ માટે અચાનક રોજગારીનો પ્રશ્ન ઊભો થયો હતો.
દ્વારકામાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી શહેરની સફાઈ વ્યવસ્થા સતત જાળવવી જરૂરી છે. અગાઉ સફાઈ કામગીરી બીવીજી કંપની દ્વારા કરવામાં આવતી હતી. તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ આશરે ૧૧ મહિના અગાઉ જીજીએસ કંપનીને સફાઈ કામગીરીનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન કંપની હેઠળ ૧૫૦થી વધુ મહિલા કર્મચારીઓ દ્વારકાની સફાઈ કામગીરીમાં ફરજ બજાવી રહી હતી.
બુધવારે પણ મહિલાઓ રોજિંદી કામગીરી મુજબ સફાઈમાં જોડાઈ હતી. કામ પૂર્ણ થયા બાદ તેમની હાજરી નોંધવામાં આવી હતી. પરંતુ હાજરી લીધા બાદ અચાનક બીજા દિવસથી કામ પર નહીં આવવાની સૂચના મળતાં મહિલાઓમાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો હતો. ખાસ કરીને રોજની આવક પર પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓ માટે આ નિર્ણય મુશ્કેલીજનક બન્યો છે.
મહિલા કર્મચારીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અચાનક કામ બંધ થઈ જાય તો પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું? રોજગારી પર આધાર રાખતા પરિવારોએ હવે આગળ શું કરવું તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સફાઈ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે જીજીએસ કંપની છેલ્લા ૧૧ મહિનાથી દ્વારકામાં સફાઈ કામગીરી સંભાળી રહી હતી. જોકે, કંપનીની સ્થાનિક કચેરી અથવા સ્પષ્ટ સરનામું હોવા અંગે કર્મચારીઓમાં અસ્પષ્ટતા જોવા મળી હતી. રબારી ગેટ નજીક હાઇવે પર કંપનીના મુકાદમ દ્વારા કર્મચારીઓની હાજરી પૂરવામાં આવતી હોવાનો પણ કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો.
કર્મચારીઓને આપવામાં આવેલા ઓળખકાર્ડમાં પણ કંપની અંગેની પૂરતી વિગતો ઉપલબ્ધ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેના પગલે કંપનીની કામગીરી અને કર્મચારીઓની રોજગારી સંબંધિત વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
આ મામલે જીજીએસ કંપનીના કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કંપનીને ૧૧ મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થતાં હાલ કામગીરી બંધ કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં કોન્ટ્રાક્ટનું રિન્યૂઅલ થશે તો ફરીથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવશે અને અગાઉ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને પણ ફરી કામ પર લેવામાં આવશે.
દ્વારકા મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળ હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં ૧૫૦થી વધુ સફાઈ કર્મચારીઓની કામગીરી અચાનક બંધ થતાં શહેરની સફાઈ વ્યવસ્થા સામે પણ પડકાર ઊભો થયો છે.
ખાસ કરીને મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો અને યાત્રાળુઓની વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં નિયમિત સફાઈ ન થાય તો કચરાની સમસ્યા સર્જાઈ શકે છે. યાત્રાધામની સ્વચ્છતા જાળવવા માટે હવે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું કે, જીજીએસ કંપનીને સફાઈ કામગીરીનો કોન્ટ્રાક્ટ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે. આથી આ કોન્ટ્રાક્ટમાં નગરપાલિકાની સીધી ભૂમિકા નથી. જોકે, શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
હવે જીજીએસ કંપનીનો કોન્ટ્રાક્ટ ફરી રિન્યૂ થાય છે કે નહીં, સફાઈ કામગીરી માટે વૈકલ્પિક વ્યવસ્થા થાય છે કે નહીં અને ૧૫૦ થી વધુ મહિલા કર્મચારીઓને ફરી રોજગારી મળે છે કે નહીં તેના પર સૌની નજર છે.
૧૧ મહિના સુધી નિયમિત સફાઈ કામગીરી કર્યા બાદ અચાનક કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં મહિલાઓને કામ બંધ કરવાની જાણ કરવામાં આવી. રોજની આવક પર નિર્ભરપરિવારો માટે આ નિર્ણય ચિંતાજનક બન્યો છે.
કોન્ટ્રાક્ટ રિન્યૂ થશે તો ફરી તક:
જીજીએસ કંપનીના કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ રિન્યૂ થશે તો અગાઉ કામ કરતી મહિલા સફાઈ કર્મચારીઓને ફરીથી કામગીરીમાં લેવામાં આવશે.
સફાઈ વ્યવસ્થા જાળવવી તંત્ર માટે પડકાર:
દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવર વચ્ચે ૧૫૦થી વધુ સફાઈ કર્મચારીઓની કામગીરી બંધ થતાં શહેરની સફાઈ વ્યવસ્થા જાળવવા માટે હવે વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
