જામનગરમાં રૂ.૧.૩૩ કરોડની છેતરપીંડી કરનાર ઝડપાયો
કાપડના વેપારીએ ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકે ઓળખ આપી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા
જામનગર શહેરના અનેક લોકો સાથે વેપાર તથા બેન્ક ક્રેડિટ કાર્ડમાં રોકાણ કરાવી ઊંચું કમિશન આપવાની લાલચ આપી કુલ એક કરોડ તેત્રીસ લાખ ચાલીસ હજાર રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપીને જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે નવસારી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તા. ૨૪ મે, ૨૦૨૬ના રોજ જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫) હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદી મુસ્તાકભાઈ ઇબ્રાહીમભાઈ સાબુવાલા તથા અન્ય ભોગ બનનારાઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે હિતેષભાઈ લક્ષ્મીકાંત ગોહીલ, રહે. વાલકેશ્વરી નગરી, સાશ્વત એપાર્ટમેન્ટ, જામનગરએ પોતે કાપડનો વેપાર કરતો હોવાની તેમજ વિવિધ બેન્કોના ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકે કામગીરી કરતો હોવાની ઓળખ આપી હતી.
આરોપીએ પોતાના કાપડના વેપાર અને ક્રેડિટ કાર્ડના વ્યવસાયમાં રોકાણ કરવા બદલ આકર્ષક કમિશન અને સારો નફો આપવાની લાલચ આપી ફરિયાદી તેમજ અન્ય લોકોને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ બેન્ક ચેક, ગુગલ-પે, રોકડ રકમ તેમજ ક્રેડિટ કાર્ડ મારફતે કુલ એક કરોડ તેત્રીસ લાખ ચાલીસ હજાર રૂપિયા મેળવ્યા હતા. રકમ મેળવ્યા બાદ આરોપીએ વચન મુજબ કોઈ કમિશન કે રોકાણની રકમ પરત કરી નહોતી અને પોતાના પરિવાર સાથે નાસી જઈ ફરિયાદી સહિત અનેક લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર હતો.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડિયાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ, મોબાઇલ કોલ ડિટેઇલ્સ, લોકેશન ટ્રેકિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી નવસારી ખાતે હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિજયભાઈ બળદેવભાઈ કાનાણી સહિતની ટીમે નવસારી ખાતે પહોંચી આરોપી હિતેષભાઈ લક્ષ્મીકાંત ગોહીલ (ઉંમર ૩૩ વર્ષ)ને ઝડપી પાડી જામનગર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની ધોરણસર અટકાયત કરવામાં આવી છે. આરોપીએ અન્ય કોઈ વ્યક્તિઓ સાથે મળીને ગુનો આચર્યો છે કે કેમ, અન્ય કોઈ ભોગ બનનારાઓ છે કે કેમ તેમજ મેળવેલી રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.