જામનગર: શેઠવડાળામાં પવનચક્કીના કોપર વાયર ચોરી કરતી ગેંગનો એલસીબી દ્વારા પર્દાફાશ
ચાર આરોપીઓ ઝડપાયા : છ સાગરીતો ફરાર : ૧૬.૫૪ લાખનો મુદ્દામાલ કબજે
જામનગર એલ.સી.બી.એ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાંથી કોપર વાયર ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો કોપર વાયર, વાહનો, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૧૬,૫૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય છ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફની ટીમોએ વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધવા માટે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સ્ટાફના અરજણભાઇ, ધર્મેન્દ્રસિંહ, ભરતભાઇ, કિશોરભાઇ, ઘનશ્યામસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર શહેરના મહાકાળી સર્કલ પાસે આવેલા જય માતાજી સ્ક્રેપના ભંગારના ડેલામાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાં ફિટ કરવામાં આવતા કોપર વાયરની ચોરી કરી મેળવેલા મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તા.૨૪ જુલાઈની રાત્રિના સમયે શેઠવડાળાથી જશાપર ગામ તરફ જવાના રસ્તા પર આવેલા સુઝલોન રિન્યુએબલ ડેવલપમેન્ટ લિમિટેડના ટાવર લોકેશન નંબર-૫૦૫ ખાતેના ક્નટેનરનું તાળું તોડી અંદર રાખેલા લાકડાના ડ્રમમાંથી આશરે ૩૭૪ મીટર કોપર વાયર, જેની કિંમત રૂ.૧૦,૮૪,૬૦૦ હતી, ચોરી કરવામાં આવ્યો હતો. આ અંગે ધ્રાફા ગામના યુવરાજસિંહ જુવાનસિંહ જાડેજાએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એલસીબીની ટીમે બાલાભાઈ અમરશીભાઈ વાઘેલા, રહે. લતીપર રોડ, ધ્રોલ., જસરાજ ઉર્ફે જગદીશ ઘેલાભાઈ માતંગ, રહે. બેડગામ બસ સ્ટેશન પાસે, શનિ પ્રેમજીભાઈ પરમાર, રહે. સિક્કા ગામ, ભગવતીપરા અને અને વિપુલભાઈ રમેશભાઈ રાઠોડ, રહે. ખોડીયાર કોલોની, મયુરનગર, જામનગર વાળા ની ધરપકડ કરી છે.
ઉપરાંત આ ગુનામાં સિકકા પાટીયે રહેતા ધીરુ મનજી સોલંકી, સંજય જેન્તીભાઈ દેવીપુજક, અજય સોલંકી, પ્રવિણ ઉર્ફે કરીમો ગોવિંદભાઈ વાઘેલા, કિશોરભાઈ બચુભાઈ સોલંકી અને સુનીલ કિશોરભાઈ સોલંકી નામના આરોપીઓની સંડોવણી સામે આવી છે, અને તેઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે ૪૮૮ કિલો જેટલો કોપર વાયર, વાયર પરથી ઉતારેલી પ્લાસ્ટીકની રબરની ભુંગળીઓ, ધારદાર સાધન, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બજાજ મેક્સીમા રિક્ષા, મારૂતિ સુઝુકી સ્વિફ્ટ કાર તથા ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૧૬,૫૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.