જામનગર: ગોપનાથ મહાદેવ પંચ-સહસ્ત્રાબ્દીનો ઇતિહાસ અને પ્રકૃતિનું અદભૂત સાન્નિધ્ય
કાળીયા ઠાકોરે રાક્ષસનો વધ કરીને ગોપ કન્યાઓને છોડાવીને ગોપનાથ મહાદેવની કરી હતી સ્થાપના
હાલારની પવિત્ર ધરતી પર અનેક શિવાલયો આવેલા છે જેમાં પ્રાચીન અર્વાચીન નદી તટે,સાગર તટે, ડુંગર પર શહેર-ગામની ભીડભાડથી દૂર વનવગડામાં ભોળોનાથ બિરાજમાન છે દરેક શિવાલયોની રોચક ગાથાઓ ઈતિહાસના પાને લખાયેલ છે.
જેમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે, ડુંગરની ગોદમાં આવેલું ગોપનાથ મહાદેવનું મંદિર એ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્રની સાથોસાથ તે ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્ય કલાનો જીવંત દસ્તાવેજ છે. પૌરાણિક માન્યતા અને પુરાતત્વીય પુરાવાઓનો અહીં એવો સંગમ થયો છે જે પ્રત્યેક પ્રવાસી અને શ્રદ્ધાળુને મંત્રમુગ્ધ કરી દે છે.
પૌરાણિક ઇતિહાસ ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિ લોકવાયકા મુજબ આ સ્થાનનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા હતા, ત્યારે આ વિસ્તારમાં એક શક્તિશાળી રાક્ષસનો આતંક હતો. આ રાક્ષસે ૧૬,૧૦૦ ગોપ કન્યાઓને કેદ કરી રાખી હતી અને તેમનું શોષણ કરતો હતો. ગોપ લોકોની વિનંતીથી શ્રીકૃષ્ણે અહીં આવીને રાક્ષસનો વધ કર્યો અને કન્યાઓને મુક્ત કરાવી. આ વિજય અને ગોપ સમુદાય પ્રત્યેના પ્રેમના પ્રતીક રૂપે શ્રીકૃષ્ણે આ ડુંગર પર ભવ્ય શિવલિંગની સ્થાપના કરી, જે આજે ગોપનાથ મહાદેવ તરીકે પૂજાય છે.
ઝીણાવારી ગામમાં શ્રીકૃષ્ણના ચરણ પાદુકા અને તે ઐતિહાસિક ગુફાઓ અસ્તિત્વમાં છે જ્યાં કન્યાઓને કેદ રાખવામાં આવી હતી.સ્થાપત્યનો અજોડ નમૂનો સ્થાપત્ય પુરાતત્વની દ્રષ્ટિએ આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન પથ્થરનું મંદિર માનવામાં આવે છે.
રાષ્ટ્રીય સ્મારક આ મંદિર ભારત સરકારના પુરાતત્વ ખાતા એએસઆઈ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે.ચોમાસાનો રોમાંચ અને પ્રાકૃતિક સૌંદર્ય નદી અને ડુંગરની હારમાળામાં હોવાને કારણે ચોમાસામાં આ સ્થળ પમિની કાશ્મીરથ જેવું ભાસે છે.રસ્તો અને ટ્રેકિંગ મંદિરના મહંતના ભગીરથ પ્રયાસોથી ડુંગર પર મોટર માર્ગ તૈયાર થયો છે, જેથી વૃદ્ધો અને અશક્ત લોકો પણ હવે ફોર-વ્હીલર કે બાઈક દ્વારા પોણા ભાગની ઉંચાઈ સુધી સરળતાથી પહોંચી શકે છે. સાહસના શોખીનો માટે ટ્રેકિંગ કરીને ઉપર જવાનો રસ્તો રોમાંચક છે.
ધાર્મિક મહત્વ ગોપનાથ મહાદેવની બાજુમાં જ અતિ પ્રાચીન સૂર્ય રન્નાદે મંદિર આવેલું છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે. પ્રકૃતિના ખોળે બેસીને મહાદેવની ભક્તિ કરવાનો લ્હાવો લેવા જેવો હોય છે.
જો તમે ઇતિહાસના શોખીન હોવ કે પ્રકૃતિપ્રેમી, જામનગરનું આ ગોપનાથ મહાદેવ મંદિર એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવું સ્થળ છે. અહીંનો ઇતિહાસ પથ્થરોમાં કંડારાયેલો છે અને તેની સુંદરતા પવનની લહેરોમાં વહે છે.દ્વારકાધીશે ગોપનાથ મહાદેવની સ્થાપના કરી હોવાથી વૈષ્ણવો પણ શ્રાવણ માસમાં દુર દુરથી દર્શન કરવા આવે છે.
શ્રાવણ માસ દરમિયાન ગોપનાથ મહાદેવ મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં લધુરુદ્ર,ધ્વજારોહણ, મહાપ્રસાદ, બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે.
હાલમાં ગોપનાથ મહાદેવ મંદિરે મંગલનાથ બાપુ સેવા પૂજા કરે છે દર શ્રાવણ માસે દાતાઓ દ્વારા સદાવ્રત ચાલુ હોય છે ભકતજનો ગોપનાથ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા ઉપવાસ, એકટાણાં કરીને ઉઘાડા પગે પહોંચીને ભોળીયાને રીઝવતા હોય છે.
શ્રાવણ માસમાં ગોપનાથ મહાદેવ મંદિરનો અદભૂત નજારો:
વરસાદી ઋતુમાં રસ્તામાં કલકલ વહેતા નાના ઝરણાં સ્વાગત કરે છે. ડુંગરની ટોચ પર પહોંચતા જ તમે વાદળોની વચ્ચે હો તેવો અનુભવ થાય છે. ચારેય તરફ ગાઢ ધુમ્મસ અને માથા પરથી પસાર થતા પાણી ભરેલા વાદળો એક અદભૂત નજારો પેશ કરે છે.વિહંગમ દ્રશ્ય ઉપરથી નીચે નજર કરતા આખું ઝીણાવારી ગામ, લીલાછમ ખેતરો અને પાણીથી છલોછલ ભરેલા નાના-મોટા જળાશયો કોઈ ચિત્રકારની કલ્પના જેવા ભાસે છે. દ્વારકાધીશે ગોપનાથ મહાદેવની સ્થાપના કરી હોવાથી દર્શન કરતી વેળાએ જાણે હરી અને હરના સાથે દર્શન કરતાં હોય તેવું મહેસૂસ ભાવીકોને થાય છે.