જામનગર જીઆઇડીસીમાં બે સ્ક્રેપ પેઢીમાં જીએસટીની તપાસ પૂર્ણ..!
કરોડોની કરચોરીના પર્દાફાશની ચર્ચા, બે એકમમાં હજુ ચેકીંગ યથાવત
બંને પેઢી પાસેથી વ્યાજ-દંડ સહીત મોટી રકમની વસૂલાતની તજવીજ
જામનગરની દરેડ જીઆઇડીસી ફેસ-૩માં સ્ક્રેપની ચાર પૈકી બે પેઢીમાં એસજીએસટીની તપાસ મહદઅંશે પૂર્ણ થઇ હોવાનું જાણવા મળ્યું છે. બંને પેઢીમાંથી કરોડોની કરચોરીનો પર્દાફાશ થયાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે તો ઉધોગકારોમાં પણ જોરશોરથી આ કરચોરીની ચર્ચા થઇ રહી છે. આથી બંને પેઢી પાસેથી વ્યાજ-દંડ સહીત મોટી રકમની વસૂલાતની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, હજુ બે એકમમાં ચેકીંગ યથાવત હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.
જામનગરમાં એસજીએસટીની ચાર ટીમ ગુરૂવારે દરેડ જીઆઇડીસી ફેસ-૩માં ભંગારની પેઢીઓમાં દરોડા પાડયા હતાં. અગાઉના એક કૌંભાડના અનુસંધાને સંલગ્ન ચાર ૫ેઢીઓમાં એસજીએસટીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન એસજીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા પેઢીઓમાં ભંગારની ખરીદી અને વેંચાણના બીલ, હીસાબો અન્ય દસ્તાવેજો અને સાહીત્યની ચકાસણી કરી હતી. તપાસનો આ સીલસીલો સોમવારે પણ યથાવત રહ્યો હતો. મંગળવારે ચાર પૈકી બે પેઢીમાં મહદઅંશે તપાસ પૂર્ણ થયાનું સૂત્રોએ જણાવ્યું છે. આટલું જ નહીં આ બંને પેઢીમાંથી કરોડોની વેરાચોરીનો પર્દાફાશ થયાની અને બંને પેઢી પાસેથી વ્યાજ અને દંડ સહીત મસમોટી રકમની વસૂલાતની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હજુ બે પેઢીઓમાં તપાસનો સીલસીલો ચાલી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, તપાસ દરમ્યાન જીએસટીના અધિકારીઓએ શંકાસ્પદ સાહીત્ય અને દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે જે બે એકમોમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે તેમાંથી કેટલી કરચોરી ખુલે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.