જામનગરની શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંસ્થામાં ભાવસભર વાતાવરણમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી

  • July 31, 2026 05:50 AM 

જામનગરની શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંસ્થામાં ભાવસભર વાતાવરણમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી


​શ્રી કસ્તુરબાસ્ત્રી વિકાસગૃહ, જામનગરના પ્રાર્થના મંદિર ખાતે ગુરુપૂર્ણિમા પર્વની અત્યંત ભાવસભર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આર્યસમાજ - જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિમાં આ મંગલ અવસર ઉજવવામા આવ્યો. 

​કાર્યક્રમમાં આદર્શ જીવન માટે ગુરુનું મહત્વ સમજાવતા અતિથિવિશેષ દીપકભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુરુ એ માત્ર જ્ઞાન આપનાર વ્યક્તિ નથી, પરંતુ માનવ જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી સન્માર્ગે દોરી જનાર દિવ્ય પુંજ છે. આદર્શ અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવા માટે ગુરુના દર્શાવેલા માર્ગ પર ચાલવું અનિવાર્ય છે.

​અધ્યક્ષીય ઉદબોધન કરતા સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગરે સંસ્થાના પૂર્વ ટ્રસ્ટીઓને યાદ કરતા જણાવ્યું હતું કે, સંસ્થાની 69 વર્ષની કામગીરીમાં પૂર્વ ટ્રસ્ટીઓનું યોગદાન ખુબ રહ્યું છે, જેમના સમર્પણથી સંસ્થા આજે આ વટવૃક્ષ બની છે.

​આ પ્રસંગે સંસ્થાના મંત્રી હીરાબેન તન્નાએ ગુરુપૂર્ણિમા અંગે પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોપરી છે. સાચા સંસ્કાર અને શિક્ષણ દ્વારા જીવનને યોગ્ય દિશા આપવાનું કાર્ય ગુરુ જ કરી શકે છે.

​કાર્યક્રમનો પ્રારંભ મંગલગીતથી થયો હતો, જે બાદ સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગર તથા મંત્રીઓ દ્વારા દીપકભાઈ ઠક્કરનું સૂતરની માળા તથા ખેસ પહેરાવી સ્વાગત-સન્માન કરાયું હતું. આ પ્રસંગે શ્રેયસ કેળવણી મંડળના વકાતર સાહેબએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

​આ ઉજવણીમાં સંસ્થા પરિવારના સભ્યો, વિભાગીય વડાઓ તેમજ આર્યસમાજના આચાર્યા શ્રી પ્રફુલ્લાબેન અને શ્રી સંગીતાબેને વિશેષ હાજરી આપી હતી. 

સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કા.મંત્રી પાર્થ પંડ્યાએ કર્યું હતું, જ્યારે અંતમાં મંત્રીશ્રી સુચેતાબેને ઉપસ્થિત સૌનો આભાર માની ગુરુપૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application