ખંભાળીયા: મેવાસાની કોઠારીયા સીમમાંથી ગેરકાયદેસર બોક્સાઇટ ખનન-વહન ઝડપાયું

  • May 20, 2026 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: મેવાસાની કોઠારીયા સીમમાંથી ગેરકાયદેસર બોક્સાઇટ ખનન-વહન ઝડપાયું

કલ્યાણપુર પોલીસે જેસીબી અને ટ્રેક્ટર સીઝ કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના અને દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર. સવસેટા સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.

પેટ્રોલીંગ દરમિયાન પોલીસની ટીમે મેવાસા ગામની કોઠારીયા સીમમાં પહોંચી તપાસ કરતા, ત્યાંથી કોઈપણ પ્રકારના રોયલ્ટી પાસ કે આધાર પુરાવા વગર બોક્સાઇટ ખનીજ ભરીને નીકળતું એક ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું. આ સાથે જ જે સ્થળેથી બોક્સાઇટ ભરવામાં આવી રહ્યું હતું, ત્યાંથી એક જે.સી.બી. મશીન પણ મળી આવ્યું હતું. આ મામલે પોલીસે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગેરકાયદેસર ખનન કરાયેલો આ બોક્સાઇટનો જથ્થો ’ઓમ સાઈરામ એન્ટરપ્રાઈઝ’ નામની ચક્કી પાસે સ્ટોક કરવામાં આવતો હતો. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ સ્ટોક કરેલા જથ્થાની માપણી કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે પોલીસે ઘટનાસ્થળેથી બંને વાહનોને સીઝ કર્યા છે.
​​​​​​​
પોલીસ કાર્યવાહીમાં ટ્રેક્ટર (રજી. નં. જી.જે.૨૩.બી.૮૫૧૭) ના ચાલક આરીફ ઉર્ફે ભયલો કરીમભાઈ બ્લોચ મકરાણી (ઉ.વ. ૨૮, રહે. મેવાસા) અને જે.સી.બી. મશીન (રજી. નં. જી.જે.૦૩.એચ.ઈ.૦૧૨૧)ના માલિક વીપુલભાઈ રામદેભાઈ ગાધેર (રહે. મેવાસા) સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ સફળ કામગીરીમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.એન. હાથલીયા, પો.સબ ઇન્સ. એમ.આર. સવસેટા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઈ જેઠાભાઈ ચંદ્રાવાડીયા, ધરણાંતભાઈ કારૂભાઈ માડમ, લખમણભાઈ દુદાભાઈ કારાવદરા અને પોલીસ કોન્સ્ટેબલ મુનાભાઈ રામશીભાઈ લગારીયા જોડાયા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News