ગીરના સિંહો પર તોળાતા સંકટ વચ્ચે જામનગરની વનતારા ટીમ બની દેવદૂત
આઇસોલેટ કરાયેલા ૧૭ બાળસિંહો પર વનતારાના નિષ્ણાંતોની ર૪ કલાક નજર
અત્યાધુનિક હાઇટેક મેડિકલ સંસાધનો અને બ્લડ ટ્રાન્સફ્યુઝન ટેકનોલોજી સાથે સિંહોને બચાવવા આદર્યું એશિયાનું સૌથી મોટું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ઓપરેશન
એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર પંથકમાં સિંહો અને વનરાજની પેઢી સમાન માસૂમ સિંહબાળ પર બાબેશિયા નામના અત્યંત જીવલેણ પરજીવી રોગચાળાનું મોટું સંકટ આવી પડ્યું છે, ત્યારે આ વૈશ્વિક ધરોહર સમાન વન્યજીવોના અસ્તિત્વને બચાવવા માટે જામનગરની સુપ્રસિદ્ધ વનતારા (Vantara - રિલાયન્સ એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર) ની એક્સપર્ટ ટીમ ગીરમાં દેવદૂત બનીને પહોંચી ગઈ છે અને વન વિભાગ સાથે મળીને યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કર્યું છે.
ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના સંયુક્ત સરહદી વિસ્તારો, ખાસ કરીને ગીર ગઢડા, જસાધાર, બાબરીયા અને અમરેલીના બાબરા કોટ રેન્જમાં છેલ્લા કેટલાક દિવસોમાં ૫ થી ૮ જેટલા સિંહો અને સિંહબાળના શંકાસ્પદ અને કરુણ મોત નીપજ્યા હોવાના અહેવાલોથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિ અને પ્રશાસનમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
આ ગંભીર કટોકટીને પારખીને વનતારાની ટીમે પલભરનો પણ વિલંબ કર્યા વગર પોતાના સર્વશ્રેષ્ઠ વાઇલ્ડલાઇફ ડોક્ટર્સ, પેથોલોજિસ્ટ્સ, સર્જન્સ અને પેરામેડિકલ સ્ટાફની આખી ફોજ સાથે ગીરના જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ધામા નાખ્યા છે.
સિંહોમાં હાહાકાર મચાવનારો આ બાબેશિયા (Babesiosis) કોઈ વાયરસ નથી, પરંતુ ચોમાસા અને ઉનાળાની ઋતુના સંધિકાળ દરમિયાન જંગલના ભેજવાળા વાતાવરણમાં સિંહોના શરીરે વળગતી ઈતરડી (Ticks) કરડવાથી ફેલાતો એક ઘાતક પ્રોટોઝોઆન પેરાસાઈટ એટલે કે પરજીવી રોગ છે. આ સૂક્ષ્મ પરજીવી સિંહના શરીરમાં પ્રવેશતાની સાથે જ તેના લોહીમાં રહેલા લાલ રક્તકણો (RBC) પર સીધો હુમલો કરીને તેનો ઝડપથી નાશ કરવા લાગે છે, જેના લીધે સિંહો એનીમિયા એટલે કે લોહીની ગંભીર ઉણપનો ભોગ બને છે અને જોતજોતામાં ઊંચો તાવ, ભારે અશક્તિ, કમળો અને શ્વાસ લેવામાં અસહ્ય તકલીફ થવાને કારણે સિંહબાળ કે જેઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેઓ તડપીને દમ તોડી દે છે.
આ ભયાવહ સ્થિતિનો સામનો કરવા માટે વનતારાની ટીમે જસાધાર કેર સેન્ટરને હાઇટેક કંટ્રોલ રૂમમાં ફેરવી નાખ્યું છે અને પોતાની સાથે એશિયાની સૌથી આધુનિક ગણાતી મોબાઇલ વાઇલ્ડલાઇફ આઇસીયુ (ICU) વાન અને ઓન-ફીલ્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી ગીરના જંગલોની વચ્ચે ઉતારી દીધી છે. વનતારાની આ હાઇટેક લેબના કારણે હવે વન વિભાગે સિંહોના બ્લડ સેમ્પલના રિપોર્ટ માટે દિવસો સુધી રાહ જોવી પડતી નથી, પરંતુ ઘટનાસ્થળે જ જંગલમાં માત્ર થોડી જ મિનિટોમાં સિંહોના લોહીનું પરીક્ષણ કરીને રોગનું ચોક્કસ નિદાન કરી લેવાય છે, જે સિંહોની વહેલી સારવાર શરૂ કરવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યું છે.
બેબીશિયા રોગમાં સિંહોના શરીરમાં લોહી સાવ ઓછું થઈ જતું હોવાથી વનતારાના અદ્યતન તબીબોની દેખરેખ હેઠળ સિંહોને બચાવવા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે લોહી ચડાવવાની અત્યંત જટિલ અને સંવેદનશીલ પ્રક્રિયા પણ આદરી દેવામાં આવી છે, જે ભારતના વાઇલ્ડલાઇફ ઇતિહાસમાં એક અભૂતપૂર્વ પગલું છે. આ જટિલ મેડિકલ પ્રક્રિયાની સાથે-સાથે સિંહોને ક્રિટિકલ કેર સપોર્ટ, ખાસ પ્રકારની આઇ.વી. ડ્રિપ્સ, મલ્ટી-વિટામિન્સ અને હાઈ-ડોઝ એન્ટીબાયોટીક્સ આપીને તેમના લાઈફ સપોર્ટ સિસ્ટમને મજબૂત બનાવવામાં આવી રહી છે.
હાલ વનતારા અને વન વિભાગની સંયુક્ત ટીમો દ્વારા જંગલના અંદરના વિસ્તારોમાંથી રોગના લક્ષણો ધરાવતા અથવા શંકાસ્પદ જણાતા ૧૭ જેટલા સિંહો અને સિંહબાળને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને અલગ-અલગ એનિમલ કેર સેન્ટરોમાં કડક આઇસોલેશન એટલે કે ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં વનતારાના નિષ્ણાતો ૨૪ કલાક તેમની શારીરિક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.
આ ઓપરેશન માત્ર સારવાર પૂરતું સીમિત નથી, પરંતુ વનતારાની ટીમે આ રોગચાળાને ગીરના અન્ય વિસ્તારોમાં ફેલાતો અટકાવવા માટે એક માસ્ટર પ્લાન અને વેક્ટર કંટ્રોલ પ્રોટોકોલ અમલમાં મૂક્યો છે. જે વિસ્તારોમાં સંક્રમણ ફેલાયું છે તેની આસપાસના ૧૦ કિલોમીટરના બફર ઝોનમાં આવતા તમામ સિંહોના પ્રાઇડ (ટોળાં) પર ટ્રેકર્સ અને વાઇલ્ડલાઇફ કેમેરા દ્વારા રાત-દિવસ બાજ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ નવો સિંહ આનો ભોગ ન બને. આ રોગનો અસલી વિલન ઈતરડી હોવાથી, વનતારાના વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળ ગીર અને તેની આસપાસના રેવન્યુ વિસ્તારોમાં મુક્તપણે વિહરતા ૩૫૦ થી વધુ સિંહો પર ડી-ટિકિંગ (De-ticking) ઓપરેશન શરૂ કરાયું છે, જેમાં સિંહોના શરીર પરથી તેમજ સિંહોના બેસવાના ચોક્કસ સ્થાનો અને જંગલની વનસ્પતિઓ પરથી ઈતરડીનો નાશ કરવા માટે વન્યજીવોને નુકસાન ન કરે તેવી ખાસ જંતુનાશક દવાઓનો વ્યાપક છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
સિંહો પરના આ સંકટને પગલે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વન મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સિંહોના તમામ સેમ્પલ્સને વધુ ચોક્કસ સંશોધન માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે મોકલી આપવામાં આવ્યા છે. વનતારાની ટીમ પાસે ઉપલબ્ધ વિશ્વસ્તરીય તબીબી સંસાધનો, વન વિભાગનું મજબૂત ગ્રાઉન્ડ નેટવર્ક અને જૂનાગઢ વેટરનરી કોલેજના સંયુક્ત પ્રયાસોના કારણે હાલ આઇસોલેશનમાં રખાયેલા તમામ ૧૭ સિંહોની સ્થિતિ ભારે સુધારા પર છે અને તેમનો રિકવરી રેટ આશાસ્પદ જણાતા વન પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે.