જામનગરમાં તડકાનો અભાવ યથાવત: માંદગીમાં વધારો: પવનની ગતિમાં વધારો: ભેજમાં ૮ ટકાનો ઘટાડો
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વિનાના વાદળો છવાયેલા જોવા મળે છે, સુર્યનારાયણની ગેરહાજરી હોવાના કારણે શહેર જિલ્લામાં માંદગીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, ખાસ કરીને તાવ, શરદી, ઉધરસના કેસોમાં વધારો થવા પામ્યો છે. શહેર જિલ્લામાં વરસાદ નહિંવત પડવાના કારણે નદીનાળાની સ્થિતિ શ્રાવણ માસમાં પણ ખાલીખમ જોવા મળી રહી છે. બીજી તરફ વરસાદ ન આવવાના કારણે ખેડુતોની દશા પણ દયનીય બની જવા પામી છે.
કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે શુક્રવારે મહતમ તાપમાન ૩૦.૮, લઘુતમ તાપમાન ૨૬.૯ જયારે ભેજનું પ્રમાણ ૮૫ ટકા રહેવા પામ્યું છે. જયારે પવનની ગતિ ૩૫ થી ૪૦ની આસપાસ રહી છે.
કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર ગુરૂવાર મહતમ તાપમાન ૩૧.૫ ડીગ્રી,જયારે લઘુતમ તાપમાન ૨૬, ભેજનું પ્રમાણ ૯૩ ટકા અને પવનની ગતિ ૨૫ થી ૩૦ રહી હતી. ગઇકાલ કરતા ભેજના પ્રમાણમાં ૮ ટકાનો ઘટાડો જયારે પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો.
સમગ્ર રાજયમાં કચ્છ અને હાલારમાં ચોમાસુ અડધુ પુર્ણ થઇ ગયુ હોવા છતાં અન્ય જિલ્લાની સરખામણીમાં વરસાદ નહિંવત નોંધાયો છે. જેને લીધે ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેડુતોનો પાક તથા ઢોર ઢાંખર માટે લીલા ચારાની સમસ્યા સર્જાઇ છે. સમગ્ર હાલારની વાત કરીએ તો સૌથી ઓછો વરસાદ ઓખા મંડળમાં જામનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ મોટા ખડબામાં ફકત સવાઇંચ નોંધાયો છે જયારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ કાલાવડ તાલુકાના નવાગામમાં ૧૨ ઇંચ વરસાદ પડયો છે. દ્વારકા જિલ્લામાં સમગ્ર રાજયમાં નહિંવત વરસાદને કારણે ખેડુતો દ્વારા અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા સમાહર્તાને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જામનગર શહેર અને જિલ્લામા વાતાવરણ મિશ્રિત હોવાને કારણે તાવ, ઉધરસ, શરદીના કેેસોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.