જામનગરમાં મહેસૂલી કર્મીઓની માસ સીએલ, અરજદારોમાં દેકારો

  • October 05, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

જામનગરમાં મહેસૂલી કર્મીઓની માસ સીએલ, અરજદારોમાં દેકારો 


જામનગરમાં મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર જતાં શહેર-જિલ્લાની કલેકટર, પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીઓમાં આવકના દાખલા, આધારકાર્ડ સહીતની મહત્વની કામગીરી ઠપ્પ થતાં અજરદારોમાં ભારે દેકારો બોલી ગયો છે. બઢતી અને બદલીમાં અન્યાય અને પડતર માંગણીઓના પ્રશ્ર્ને આંદોલન ઉગ્ર બન્યું છે. જો પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવે તો ૭ ઓકટોબરથી અચોકકસ મુદતની હડતાળની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે. વારંવાર કરેલી રજૂઆતોનો સરકાર દ્વારા ઉલાળીયો કરવામાં આવતા કર્મીઓ લડી લેવાના મૂડમાં છે. 

રાજ્યભરના મહેસૂલી વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે આજે સામૂહિક રજા (માસ સીએલ)નું એલાન કરવામાં આવ્યું છે. જેના પગલે આજે જામનગરમાં કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીઓ સહિત મહેસૂલ વિભાગની વિવિધ કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. મહેસૂલી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ અંગે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નક્કર ઉકેલ નહીં આવતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. કર્મચારીઓના માસ સીએલના પગલે અરજદારોને આવક, જાતિ, નોન-ક્રિમિલેયર સહિતના દાખલા, ૭/૧૨ અને ૮-અના ઉતારા, ઈ-ધરા તથા જમીન માપણી સહિતની કામગીરીમાં મુશ્કેલી પડી હતી. બીજી તરફ, કર્મચારીઓના માસ સીએલના કાર્યક્રમ પૂર્વે રાજ્ય સરકારે પણ કડક વલણ અપનાવી અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર ન કરવા તેમજ ફરજ પર ગેરહાજર રહેનારા કર્મચારીઓ સામે સેવા તૂટ સહિતની કાર્યવાહી કરવાની ચીમકી આપી હોવાનું સામે આવ્યું છે.

 આ સમગ્ર મામલે હવે સરકાર અને મહેસૂલી કર્મચારીઓ વચ્ચેના ટકરાવ વચ્ચે અરજદારોના કામકાજને અસર ન થાય તે માટે વહીવટી તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. બીજી બાજુ પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે તો આગામી તા.૭ ઓકટોબરથી અચોકકસ મુદતની હડતાળની ચિમકી કર્મચારીઓે ઉચ્ચારી છે. અત્રે નોંધનીય છે કે, મહેસૂલી કર્મચારીઓના વિવિધ સેવાકીય પ્રશ્ર્નો જેવા કે બઢતી-બદલી, સીનયોરીટી યાદી અને મહેસૂલી જોબચાર્ટમાંથી અન્ય વિભાગની કામગીરી દૂર કરવા અંગે મહામંડળ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ તમામ રજૂઆતોનો સરકાર દ્વાર ઉલાળીયો કરવામાં આવતા તા.૧ ના કર્મચારીઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૩ ના કચેરીની કામગીરી સંબધિત વોટસએપ ગ્રુપમાંથી લેફટ થઇ  અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં માંગણી ન સંતોષાતા આજે જામનગર શહેર-જિલ્લાના ૨૬૦ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતાં. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application