જામનગર: કાલાવડ હાઇવે પર ટેન્કરે એકટીવાને હડફેટે લેતા માતા-પુત્રીને ઇજા
ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા : ટેન્કરચાલક સામે ફરીયાદ
કાલાવડ-જામનગર હાઇવે રોડ પર શ્રીજી કોટેક્સ કારખાના નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક્ટિવા પર સવાર મહિલા અને તેની પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતાં કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ તા. ૦૫/૦૬/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે અશોક લેલેન્ડ ટેન્કર નં. જી.જે. -૧૧ વી.વી. ૩૬૫૧ નો ચાલક પોતાના વાહનને પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી રહ્યો હતો. દરમિયાન તેણે સામે તરફથી આવી રહેલા એક્ટિવા નં. જી.જે. ૧૦ ઇ.ડી. ૦૬૯૬ ને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર રીનાબેન કલ્પેશભાઈ બોસમિયા (ઉંમર ૪૫ વર્ષ)ને માથા, કમર, ફેફસાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે એક્ટિવા ચલાવતી હેતવીબેન કલ્પેશભાઈ બોસમિયાને મોઢા, કપાળ તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનો જમણો પગ ફ્રેક્ચર થયો હતો.
આ બનાવ અંગે વીમલભાઈ પ્રાણજીવનભાઈ બોસમિયાની ફરિયાદના આધારે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.