જામનગરમાં નવરાત્રિના પગલે જિલ્લા પોલીસવડા દ્વારા રાત્રિ પેટ્રોલિંગ

  • October 10, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નવરાત્રિના પગલે જિલ્લા પોલીસવડા દ્વારા રાત્રિ પેટ્રોલિંગ

શહેરના પ્રાચીન-અર્વાચીન ગરબાનાં સ્થળોનું જાત નિરીક્ષણ કર્યું : ડીવાયએસપી, એલસીબીનો પોલીસ કાફલો જોડાયો : સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ

આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની રાત્રિના સમયે પેટ્રોલીંગમાં જોડાયા હતા. તેમણે શહેરનાં વિવિધ પ્રાચીન અને અર્વાચીન ગરબા તથા નવરાત્રિ મહોત્સવના સ્થળોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત શહેરના અન્ય મહત્ત્વના માર્ગો પર પણ રાત્રિ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

નવરાત્રિના તહેવાર દરમિયાન ગરબી અને ગરબાનાં સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને લોકો સુરક્ષિત રીતે તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ રાત્રિના સમયે વિવિધ સ્થળોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

આ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા, સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો. પોલીસ અધિકારીઓએ ગરબાનાં સ્થળો તેમજ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, અસામાજિક તત્ત્વો પર નિયંત્રણ રહે અને નાગરિકો નિર્ભયતાથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ વધુ સઘન બનાવવામાં આવી છે.

આ ઉપરાંત નવરાત્રીનું પર્વ અનુસંધાને પોલીસ દ્વારા સુચારૂ આયોજન ઘડી કાઢયું  છે, પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સૂચનાથી અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સ્ટાફ દ્વારા સંવેદનશીલ ગણાતા સુમરાચાલી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. કોમ્બિંગ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને લિસ્ટેડ બૂટલેગરના વાડા તથા ઘરે પણ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application