જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય માટે પડાપડી, ૧૦૦થી વધુ દાવેદાર..!

  • September 21, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય માટે પડાપડી, ૧૦૦થી વધુ દાવેદાર..!

​​​​​​​
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે પડાપડી થઇ રહી છે. કારણ કે, સમિતિની ૧૨ બેઠક માટે ભાજપની સંકલનની બેઠકમાં ૧૦૦થી વધુ દાવેદારોનો રાફડો ફાટતા ઉપસ્થિત આગેવાનો પણ ચોંકી ઉઠયા હતાં. ખાસ કરીને સમિતિના ચેરમેન પદ માટે બળાબળના પારખા થશે અને ચેરમેનનો તાજ મેળવવા અત્યારથી લોબીંગ ચાલી રહ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. સભ્ય માટે શિક્ષિત ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે તેમ પણ જાણવા મળ્યું છે.  

જામનગર મહાનગરપાલીકાની ચૂંટણીના પરિણામ આવ્યાને ચાર મહીના પસાર થવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીની કોઈ પ્રક્રીયા કે ગતિવિધિ ન થતાં ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા હતાં. પરંતુ આખરે જામનગર મહાપાલીકા ઉંઘમાંથી સફાળી જાગતા સમિતિની કુલ ૧૨ બેઠકની ચૂંટણી જાહેર કરી હતી. જેમાં એક અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિની એક અને અન્ય ૩ અનામત બેઠક તથા ૮ સામાન્ય બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠક માટે તા.૨૩ના ફોર્મ સ્વીકારવામાં આવશે. જયારે તા.૨૫ સપ્ટેમ્બરના  ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. તા.૨ ઓકટોબરના ફોર્મ સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. જયારે ૯ ઓકટોબરના સવારે ૧૧.૩૦ થી ૩.૩૦ સુધી મતદાન અને આજ દીવસે સાંજે ૪ કલાકે મતગણતરી થશે. ચાલુ વર્ષે મનપાની ૬૪ બેઠકમાંથી ૬૦ બેઠક ભાજપને મળી છે. શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર કોર્પોરેટરને હોય છે. ચૂંટાયેલ કોર્પોરેટરો શિક્ષણ સમિતિના સભ્યોને ચૂંટે તે પછી તેના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી શિક્ષણ સમિતિના ચૂંટાયેલા સભ્યો કરતાં હોય છે. 
​​​​​​​

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને અનુલક્ષીને ભાજપની સંકલનની બેઠક શનિવારે મળી હતી. જેમાં શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે દાવેદારોનો રીતસર રાફડો ફાટયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. કારણ કે, સંકલનની બેઠકમાં ૧૦૦થી વધુ ઉમેદવારોએ દાવેદારી કરી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છેે. આટલું જ નહીં  ખાસ કરીને શિક્ષણ સમિતિના ચેરમેનના તાજ માટે આંતરિક જૂથો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યાનું તો દાવેદારો દ્વારા સભ્ય બનવા માટે લોબીંગ અને ભલામણનો મારો ચલાવામાં આવી રહ્યાની ચર્ચા પર જોરશોરથી થઇ રહી છે. શિક્ષણ સમિતિના ચેરમેન બનવા માટે ભારે હોડ જામી હોય અંદરોઅંદર બળાબળના પારખાં થવાની શકયતા પણ નકારી શકાતી નથી, ત્યારે કોનો હાથ ઉપર રહે છે તેના પર સૌની મીટ મંડાઇ છે. જો કે, અતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે ગ્રેજયુએટ ઉમેદવારો અને જૂના જોગીઓને પ્રાધાન્ય આપી ડેમેજ ક્ધટ્રોલની કવાયત કરવામાં આવે તે શકયતા પણ નકારી શકાતી નથી. જો કે, શિક્ષણ સમિતિના સભ્ય અને ચેરમેન બનવા માટે દાવપેચ અને ચર્ચાઓના દૌરથી રાજકીય ગરમાવો આવ્યો છે તેમાં બેમત નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application