વડાપ્રધાનની જામનગર મુલાકાત સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા પ્રથમ વખત કોડ પદ્ધતિ સાથે પાર્કિંગ પ્લાન જાહેર કરાયો

  • May 09, 2026 05:28 PM 

વડાપ્રધાનની જામનગર મુલાકાત સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા પ્રથમ વખત કોડ પદ્ધતિ સાથે પાર્કિંગ પ્લાન જાહેર કરાયો

ડિજિટલ મેપની મદદથી નાગરિકો નિર્ધારિત પાર્કિંગ સ્થળ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે તંત્ર દ્વારા કરાઈ અનોખી વ્યવસ્થા

વડાપ્રધાનની જામનગર ખાતેની સૂચિત મુલાકાતને અનુલક્ષીને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુગમ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય પ્રાંત અધિકારી  બ્રિજેશ કાલરીયા, આર.ટી.ઓ. એ .જે. વ્યાસ, પંચાયત કાર્યપાલક ઇજનેર કે.બી.છૈયા તથા આસી.ટાઉન પ્લાનર ઊર્વીલ દેસાઈ દ્વારા વાહન પાર્કિંગ અને રૂટની વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

આ આયોજનની વિશેષતા એ છે કે, જામનગરમાં સૌપ્રથમ વખત કોડ પદ્ધતિથી પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેનાથી નાગરિકો ડિજિટલ મેપની મદદથી નિર્ધારિત પાર્કિંગ સ્થળ સુધી સરળતાથી પહોંચી શકશે.

આ વ્યવસ્થા હેઠળ ખાસ કરીને વી.આઈ.પી. વાહનો માટે જામનગર મહાનગર સેવા સદન ખાતે પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે, જ્યાં અંદાજે ૬૦ જેટલા પાસધારક ફોર-વ્હીલર વાહનો રણમલ તળાવ પેરિફેરીથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સવાળા રસ્તે થઈને પ્રવેશ મેળવી શકશે. જામનગર ગ્રામ્યના વિવિધ તાલુકાઓ અને માર્ગો પરથી આવતી બસો અને ફોર વ્હીલર માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ રોડ તરફથી આવતી બસો અને ફોર વ્હીલર અંબર ચોકડીથી સુભાષ બ્રિજ વચ્ચેના ઓવરબ્રિજ નીચેના ગાળામાં પાર્ક કરી શકાશે. જ્યારે દ્વારકા, ખંભાળિયા કે લાલપુર તરફથી આવતી બસો માટે લાલપુર ચોકડીથી પવનચક્કી થઈને જોલી બંગલા પાસેના ગુજરાત ટ્રાવેલ્સવાળા રોડ પર પાર્કિંગ, પીકઅપ અને ડ્રોપ પોઈન્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ તમામ સ્થળોએથી નાગરિકોએ પગપાળા ચાલીને મુખ્ય કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાનું રહેશે.

શહેરની સામાન્ય જનતાના ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાર્કિંગ પોઈન્ટ્સ નક્કી કરાયા છે. ટાઉન હોલ ખાતે અંદાજે ૧૮૦૦ જેટલા ટુ-વ્હીલર માટેની જગ્યા ફાળવવામાં આવી છે, જ્યાં સુભાષ બ્રિજ, ગ્રેઈન માર્કેટ અને રણજીત રોડ તરફથી આવતા વાહનો પાર્ક થઈ શકશે. ફોર-વ્હીલર વાહનો માટે તિબેટીયન માર્કેટમાં ૮૦ વાહનોની ક્ષમતાનું પાર્કિંગ રખાયું છે. આ ઉપરાંત, રણમલ લેક પાર્કિંગ ખાતે ૧૧૦૦ ટુ-વ્હીલર અને ૧૦૦ ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે, જે ખાસ કરીને લાલપુર રોડ, સમર્પણ સર્કલ અને રણજીતનગર વિસ્તારના લોકો માટે અનુકૂળ રહેશે. તમામ નાગરિકોને આ આધુનિક  કોડ પદ્ધતિનો ઉપયોગ કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application