દેવભૂમિ દ્વારકા: ખેડૂતોને જંતુનાશકોના અવશેષો નિવારવા અંગે લેવાના પગલાં જાહેર કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને જંતુનાશકોના અવશેષો નિવારવા અંગે પગલાઓ નીચે મુજબ જાહેર કરાયા છે.
જે જંતુનાશકો કે જેની વિઘટનની પ્રક્રિયા ધીમી હોય, લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહેતા હોય અથવા ચરબીમાં દ્રાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતિકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે તેના ઉપયોગ પર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવે છે અથવા તો તેને નિયંત્રિત વપરાશ હેઠળ મૂકવામાં આવે છે. આવા જંતુનાશકોનો વપરાશ બિલકુલ કરવો જોઈએ નહિ.
પાક સંરક્ષણ રસાયણોની નોંધણી માટેની સંસ્થા દ્વારા જે તે પાક ઉપર જે તે રસાયણોની માત્રાની ભલામણ વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવેલ અખતરાઓના પરિણામો દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભલામણ કરેલ માત્રાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. વધુ પડતું પ્રમાણ અને વધુ પડતો છંટકાવ જીવાતમાં પ્રતિકારકતા કેળવતું હોઈ ખેડૂતોને વધારે પ્રમાણનો ઉપયોગ કરવાની ફરજ પડે છે, જે આર્થિક રીતે નુકસાનકારક છે, સાથેસાથે જે તે કૃષિ પેદાશોમાં જંતુનાશકોના અવશેષોની માત્રા વધારે છે.
ખેતીપાકો/ શાકભાજી/ ફળપાકો/ મસાલાપાકોમાં યુનિવર્સિટીની ભલામણ મુજબ જ જે તે પાકોના જે તે રોગ-જીવાત માટે જે દવાની ભલામણ કરેલ છે તેનો જ ઉપયોગ કરવો તથા સંકલિત જીવાત વ્યવસ્થાપનના પગલાં લેવા.
શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી જંતુનાશકોના અવશેષો ઓછા થાય છે. શાકભાજીને પાણીથી ધોવાથી અવશેષો ઓછા થવાનું પ્રમાણ ખરબચડી સપાટીવાળા કરતાં સુંવાળી સપાટીવાળા શાકભાજીમાં વધુ હોય છે જ્યારે શોષક (સિસ્ટેમિક) પ્રકારની જંતુનાશકો કરતાં સ્પર્શક (કોન્ટેક્ટ) જંતુનાશકોમાં વધુ હોય છે. શાકભાજી ધોવા માટે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા)નો પણ ઉપયોગ કરી શકાય.
શાકભાજી, ફળ ફળાદી અને અનાજ વગેરેમાં જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ માત્રા (એમ.આર.એલ) કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફ.એ.ઓ.) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુ.એચ.ઓ.) દ્વારા નક્કી કરવામાં આવે છે કે અવશેષોની માત્રા એમ.આર.એલ. કરતાં વધુ હોય તો તે નુકસાનકારક સાબિત થાય છે. તેથી વિવિધ ખેત પેદાશોમાં જુદા જુદા જંતુનાશકના છંટકાવ કરી છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. જેને વેઇટીંગ પીરીયડ કહે છે. આ વેઇટીંગ પીરીયડ પહેલાં ખેતપેદાશો ઉતારવા કે વીણી કરવી નહિ.
શક્ય હોય ત્યાં જલ્દીથી વિઘટન પામતા કૃષિ રસાયણો જેવા કે એમામેક્ટિન બેન્ઝોએટ, સ્પેનોસાદ, ઈન્ડોક્ઝાકાર્બ અને નોવાલ્યૂરોન જેવા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો.
સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો વપરાશ ઘટતા જંતુનાશકોના અવશેષોના પ્રશ્નો હળવા કરી શકાય છે. દા.ત. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી, જમીન તપવાથી કોશેટા, જીવાણુ તથા ફૂગનો નાશ થાય છે.
જેથી જંતુનાશકોનો વપરાશ ઘટે છે. રોગ જીવાત પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવાથી, વનસ્પતિયુક્ત જંતુનાશકો, પરજીવી અને પરભક્ષી કિટકો, એનપીવી., પ્રકાશ પિંજર, ફેરોમોન ટ્રેપ, ફળમાખી પિંજર, પીળા ચીકના પિંજર, પિંજરપાક, કીટકભક્ષી પક્ષીઓને બેસવા માટેના બેલી- ખડા વગેરેનો ઉપયોગ કરી જંતુનાશકોનો વપરાશ ઘટાડી શકાય છે જેનાથી કૃષિપેદાશોમાં જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ ઘટાડી શકાય છે.જે તે પાક પર યોગ્ય જંતુનાશકનો છંટકાવ તેની ભલામણ કરેલ માત્રામાં જ તથા જીવાતની ક્ષમ્યમાત્રા ઓળખ્યા બાદ જ કરવો.
ઘરમાં મચ્છર, માખી, વંદા, ઉધઈ, ઉંદર વગેરેના નિયંત્રણ માટે જંતુનાશકો વાપરતી વેળા યોગ્ય કાળજી લેવામાં ન આવે તો જંતુનાશકો અનાજ, પાણી, લોટ વગેરેમાં ભળી જાય છે અને તેના અવશેષો આપણા શરીરમાં પ્રવેશે છે. ઘરગથ્થુ જીવાતોનું નિયંત્રણ કરતી વખતે જંતુનાશક છાંટ્યા પહેલાં પાણીના વાસણો, અનાજના પીપ, અનાજની ગુણો વગેરે કાપડ અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દેવા જોઈએ. મકાનમાં ઉધઈ નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસનો ઉપયોગ થાય છે પરંતુ આનું વિઘટન જલદીથી થતું નથી. હાલમાં નિીઓકોટીનોઈડ જૂથની ઈમીડાક્લોપ્રાઈડ કીટકનાશક ઉધઈ નિયંત્રણ માટે અસરકારક અને દુર્ગંધ વગરની છે. અને અવશેષોના પ્રશ્ન ઓછા આવે છે.
જો અનાજમાં ભેજ વધુ હોય તો સૂર્ય પ્રકાશમાં અનાજ સુકવ્યા પછી જ તેના સંગ્રહ માટે હવાચૂસ્ત પીપનો ઉપયોગ કરવો કે જેથી કિટકો તેમાં પ્રવેશી શકે નહીં. આ ઉપરાંત ઘઉં જેવા અનાજને દિવેલનો પટ આપીને સંગ્રહ કરવામાં આવે છે. બાજરી જેવા અનાજમાં રાખ અથવા લીમડાના પાન ભેળવવામાં આવે છે. આ બધી કાળજી રાખવા છતાં જો કીટકો પડે તો ધૂમકરનો ઉપયોગ કરવાથી તેના અવશેષો અનાજમાં આવશે નહિ.
શાકભાજીના પાકોમાં વીણી કર્યા પછી જ જંતુનાશકોનો છંટકાવ કરવો તથા ફળ પાકતી અવસ્થાએ જંતુનાશકોના વપરાશ ટાળવાથી ઉપભોક્તા માટે જંતુનાશકોના અવશેષોના પ્રશ્નો નિવારી શકાય છે.
એકના એક જંતુનાશકનો વારંવાર ઉપયોગ ન કરતાં જુદા જુદા જંતુનાશકનો ઉપયોગ કરવો તથા એક જ જૂથના જંતુનાશકનો ત્રણ થી વધારે છંટકાવ કરવો નહિ. આમ કરવાથી જીવાતોમાં જે તે જંતુનાશક સામે પ્રતિકારક શક્તિ પેદા થશે નહિ તેના કારણે જંતુનાશકનું પ્રમાણ વધારવાની જરૂર નહિ પડે અને અવશેષોના પ્રશ્નો ઘટશે.વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.