ખંભાળિયામાં પ્રતિબંધિત ગ્લુ ટ્રેપના વેપાર પર પોલીસનો પ્રહાર: બે સ્થળોએ દરોડા, 426 નંગ જાળ સાથે બે શખ્સો કાયદાના સકંજામાં

  • June 01, 2026 06:07 PM 

ખંભાળિયામાં પ્રતિબંધિત ગ્લુ ટ્રેપના વેપાર પર પોલીસનો પ્રહાર: બે સ્થળોએ દરોડા, 426 નંગ જાળ સાથે બે શખ્સો કાયદાના સકંજામાં

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ સામે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે એસ.ઓ.જી.ની ટીમે ખંભાળિયા શહેરમાં બે અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરી મોટી સંખ્યામાં પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ જપ્ત કર્યા હતા.


જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પી.આઈ. વી.એ. રાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ માહિતીના આધારે નગર ગેઈટ વિસ્તારમાં આવેલી એક મેડિકલ દુકાન અને એક એજન્સી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ સ્થળોએ પ્રતિબંધિત ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપ જાળનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.


પોલીસે સ્થળ પરથી કુલ 426 ગ્લુ ટ્રેપ કબજે કર્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 25,200 જેટલી થાય છે. આ મામલે શ્રીરામ મેડિકલ સ્ટોરના સંચાલક ધરમશીભાઈ પ્રેમજીભાઈ કછટીયા તેમજ અમિતભાઈ કિશોરભાઈ લાલ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


પોલીસના જણાવ્યા મુજબ ગ્લુ ટ્રેપમાં ફસાતા ઉંદરો ઉપરાંત અન્ય નાના પ્રાણીઓ અને પક્ષીઓ પણ ભોગ બનતા હોવાથી આવા સાધનોના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ ખંભાળિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.


જિલ્લામાં પ્રતિબંધિત અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી ચીજવસ્તુઓના ગેરકાયદે વેપાર સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવું પોલીસ તંત્રએ જણાવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application