દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરમાં મધરાતે ક્રોસિંગના નામે પાવર કટ્ટ

  • June 03, 2026 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરમાં મધરાતે ક્રોસિંગના નામે પાવર કટ્ટ

ક્રોસિંગ કાયમી હટાવી ટાઉન ફીડર અલગ કરો તેવી જનતાની ઉગ્ર માંગ: ડેપ્યુટી ઇજનેરના ઉડાઉ જવાબોથી રોષ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર વડામથકમાં પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં તીવ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે. જામ કલ્યાણપુરને ટાઉન ફીડર (શહેરી વીજ લાઇન)નો દરજ્જો મળેલો હોવા છતાં, મધ્યરાત્રિએ અચાનક વીજ પુરવઠો ખોરવી નાખવામાં આવે છે. ગઈકાલે પણ રાત્રે ૧૨:૩૦ કલાકે કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના પાવર બંધ કરી દેવામાં આવ્યો હતો,.

જેને કારણે ભરઉનાળાની અસહ્ય ગરમીમાં બાળકો, વૃદ્ધો અને દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા જ્યારે આ બાબતે પીજીવીસીએલના કલ્યાણપુર સબ-ડિવિઝનના ડેપ્યુટી ઇજનેરનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે પાવર બંધ રાખવા પાછળ ક્રોસિંગનું કારણ આગળ ધર્યું હતું. મધરાતે ક્રોસિંગના નામે ટાઉન ફીડરનો પાવર કલાકો સુધી ગુલ કરી દેવાની આ પદ્ધતિ તદ્દન ગેરવાજબી છે. 

આ અંગે જ્યારે અધિકારીને પૂછપરછ કરવામાં આવી ત્યારે ગ્રાહકોને સંતોષકારક જવાબ આપવાને બદલે અત્યંત ઉડાઉ અને જવાબદારીવિહીન જવાબો આપવામાં આવ્યા હતા.સ્થાનિક રહીશોની મુખ્ય માંગણી છે કે જામ કલ્યાણપુર ટાઉન ફીડર હોવા છતાં તેને અન્ય લાઇન સાથે શા માટે જોડી રાખવામાં આવ્યું છે? પીજીવીસીએલ તંત્ર તાત્કાલિક અસરથી આ લાઇનનું ક્રોસિંગ કાયમી ધોરણે કાઢી નાખે અને ટાઉન ફીડરને સંપૂર્ણ રીતે અલગ કરે, જેથી ભવિષ્યમાં ક્રોસિંગના નામે શહેરનો પાવર કાપવો ન પડે. 

ગ્રાહકો નિયમિત અને પૂરતું બિલ ભરતા હોવા છતાં તંત્રની ટેકનિકલ ખામીઓનો ભોગ શા માટે બને તે એક મોટો સવાલ છે.જો આ ક્રોસિંગ હટાવીને ટાઉન ફીડર અલગ કરવાનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહીં આવે, તો જામકલ્યાણપુરના વેપારી મંડળો, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક રહીશો દ્વારા પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર આંદોલન અને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application