રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે. ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરી લઇ વ્યાજખોરોને આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ ન આવે તે પ્રકારનો દાખલો બેસે તેવી કડક કાર્યવાહી થઇ છે. આ નોંધપાત્ર કાર્યવાહી બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના એસ.પી. સાગર બાગમાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ કાર્યવાહીએ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિને રેખાંકિત કરી છે.
દેશના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી કરાઈ
ગુજરાતમાં કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંજાર પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (જી.સી.ટી.ઓ.સી.) કાયદા અન્વયે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે. આ કાર્યવાહીમાં આરોપીઓ દ્વારા વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ ૬૩.૪૬ લાખ રૂપિયાની મિલ્કત એટલે કે ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત કરવામાં આવી છે, જે દેશના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી તરીકે નોંધાઈ છે.
આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાઓ આચર્યા હતા
મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યભરના પોલીસ સ્ટેશનોને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અને તેમની ગેરકાયદેસર મિલ્કતો જપ્ત કરવા સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તેમની ટીમે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ-રિયાબેન ઇશ્વરગર ગૌસ્વામી, આરતીબેન ઇશ્વરગર ગૌસ્વામી અને તેજસ ઇશ્વરગર ગૌસ્વામી, રહે. મંકલેશ્વર, અંજાર-સામે કાર્યવાહી કરી. આ આરોપીઓએ “Organized Crime Syndicate” બનાવી, આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાઓ આચર્યા હતા.
આ કુલ મિલ્કતોની કિંમત ૬૩.૪૬ લાખ રૂપિયા
જપ્ત કરાયેલી મિલ્કતોમાં રિયાબેનના નામે મેઘપર બોરીચીમાં એક પ્લોટ (૨.૫૨ લાખ), મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી (૧૪.૭૯ લાખ), અને અંજારમાં દેવનગરમાં પ્લોટ (૧૨.૪૨ લાખ); આરતીબેનના નામે અંજારના દેવનગરમાં પ્લોટ (૬.૪૫ લાખ); તેમજ આરોપીઓની માતાનાં નામે મેઘપર બોરીચીમાં બે પ્લોટ (૦.૬૦ લાખ અને ૧૨.૯૪ લાખ) અને અંજારમાં ગંગોત્રી-૦૨માં પ્લોટ (૧૩.૭૧ લાખ)નો સમાવેશ થાય છે. આ કુલ મિલ્કતોની કિંમત ૬૩.૪૬ લાખ રૂપિયા છે.
ગૃહ વિભાગના હુકમ આધારે આ મિલ્કતોને જપ્ત કરવામાં આવી
આ કાર્યવાહી દરમિયાન, પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો, જેમાં અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને જી.સી.ટી.ઓ.સી. કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે આ મિલ્કતોની ઝડતી અને જપ્તીની પ્રક્રિયા પૂર્ણ કરી, જેની દરખાસ્ત ગૃહ વિભાગ, ગાંધીનગરને મોકલવામાં આવી હતી. ગૃહ વિભાગના હુકમ આધારે આ મિલ્કતોને જપ્ત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech