જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા શપથ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૨૬ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

  • June 15, 2026 05:16 PM 

જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા શપથ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૨૬ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) Rules-2026 અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી જામનગર જિલ્લામાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ સ્વચ્છતા શપથ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૨૬ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકો, જનપ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, કર્મચારીઓ, સ્વચ્છતા મિત્રોને સ્વચ્છતા જાળવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

જે અંતર્ગત નાગરિકોને સ્વચ્છતા સપ્તાહ દરમિયાન હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનોને ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવા, જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા, પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા તેમજ પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા માત્ર સરકારી અભિયાન નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) Rules-2026 હેઠળ કરવામાં આવેલા નવા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને ઘરેથી ઉત્પન્ન થતા કચરાનું સ્ત્રોત સ્તરે જ ચાર અલગ-અલગ શ્રેણીમાં વર્ગીકરણ કરવાના નિયમ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં ભીનો કચરો, સુકો કચરો, જોખમી કચરો અને સેનિટરી કચરો અલગ રાખવાની પદ્ધતિ તથા તેના પર્યાવરણલક્ષી અને સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ લગત અધિકારીશ્રીઓ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા હતા.

કચરાનું યોગ્ય વર્ગીકરણ થવાથી તેના સંગ્રહ, પરિવહન, રિસાયક્લિંગ અને વૈજ્ઞાનિક નિકાલની પ્રક્રિયા વધુ સરળ અને અસરકારક બને છે. ભીના કચરામાંથી ખાતરનું ઉત્પાદન, સુકા કચરાના પુનઃઉપયોગ અને રિસાયક્લિંગ તેમજ જોખમી અને સેનિટરી કચરાના સુરક્ષિત નિકાલ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી શકે છે.

કાર્યક્રમમાં લોકોએ સ્વચ્છતા જાળવવા, કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા અને પોતાના ગામ, શહેર તથા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application