શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાના આયોજન પૂર્વે જામનગરમાં 'હર ઘર ભગવા' અભિયાનનો ભવ્ય પ્રારંભ
શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતેથી શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ અને સંતો-મહાનુભાવોની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ
આગામી ૪ સપ્ટેમ્બરે નીકળનારી ૨૦મી વિશાળ સાર્વજનિક શોભાયાત્રા પહેલા જ દરેક સનાતની પોતાના ઘરે ભગવો ધ્વજ લહેરાવે: જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજનું આહ્વાન
જામનગર: છોટી કાશી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત એવા જામનગર શહેરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણીને લઈને ધર્મપ્રેમી જનતામાં અભૂતપૂર્વ ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા આ વર્ષે યોજાનાર ભવ્યાતિભવ્ય શોભાયાત્રાના પૂર્વ આયોજન રૂપે સમગ્ર શહેરને ભક્તિમય અને સનાતની રંગે રંગવા માટે 'હર ઘર ભગવા' અભિયાનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે.
જામનગરના ઐતિહાસિક અને પવિત્ર એવા શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતેથી શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજના કરકમલો દ્વારા અને શોભાયાત્રા સમિતિના અગ્રણીઓ પ્રો. દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈ પીઠિયા, કિશનભાઈ વસરા, ખોડલધામ સમિતિના રોહિતભાઈ માધાણી, હાર્દિક વસોયા, વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ વોરા સહિત વિવિધ સામાજિક-ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ તેમજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં હર ઘર ભગવા અભિયાન માટે ભગવા ધ્વજ વિતરણ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. 5 હજારથી વધુ ભગવા ધ્વજ જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સનાતનનીઓ માટે બનાવવામાં આવ્યા છે. જે દરેક ઘર અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં લગાવી જન્માષ્ટમી પહેલા ધર્મ પ્રેમીઓને જોડવા અનોખું આયોજન હાથ ધરાયું છે.
સનાતન ધર્મમાં ભગવા ધ્વજનું માહાત્મ્ય અપરંપાર: આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ
'હર ઘર ભગવા' અભિયાનના શુભારંભ પ્રસંગે આશીર્વચન પાઠવતા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજે જણાવ્યું હતું કે:
"જામનગરમાં દર વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે ખૂબ જ ભવ્ય અને દિવ્ય સાર્વજનિક શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે ૨૦મી જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં જામનગરની તમામ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક મંડળો, જ્ઞાતિ સમાજો અને અગ્રણીઓ એકસૂત્ર થઈને જોડાવાના છે.
આ પાવન પ્રસંગે આખું જામનગર ભક્તિરસમાં તરબોળ બને તે માટે 'હર ઘર ભગવા' અભિયાન હેઠળ ભગવા ધ્વજ વિતરણનો પ્રારંભ કરાયો છે. સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિમાં ભગવા ધ્વજનું સ્થાન સર્વોપરી છે. આપણે સૌ સૌર્યમંડળમાં રહીએ છીએ અને સૂર્યનારાયણનો રંગ પણ ભગવો છે. આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ ભગવા ધ્વજને શૌર્ય, ત્યાગ અને સમર્પણના પ્રતિક તરીકે વિશેષ મહત્વ આપ્યું છે.
આગામી ૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ વાગ્યે ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે. ત્યારે જામનગર શહેરના તમામ નગરજનો, ગ્રામ્ય વિસ્તારના અબાલ-વૃદ્ધ સૌ ધર્મપ્રેમીઓ અને સમસ્ત દેશવાસીઓને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, જેને પણ પોતાના ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે અગાધ પ્રેમ હોય, તેઓ પોતાના ઘર, દુકાન કે પ્રતિષ્ઠાન પર ભગવો ધ્વજ અવશ્ય લહેરાવે અને તેને કાયમી રાખી પોતાની સંસ્કૃતિનું ગૌરવ વધારે."
નગરજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને વિતરણ કાર્યક્રમ:
'હર ઘર ભગવા' અભિયાનના ઉદ્ઘાટન સાથે જ જામનગરના વિવિધ વિસ્તારોમાં ભગવા ધ્વજનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ જન્માષ્ટમી પૂર્વે જ સમગ્ર જામનગર શહેરને ભગવામય બનાવી સનાતની એકતાનો સંદેશ આપવાનો છે. શોભાયાત્રા સમિતિના અગ્રણીઓ દ્વારા શહેરના તમામ ધેમ્પ્રેમીઓ પોતાના ઘરો પર ભગવો ધ્વજ લહેરાવી આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા અને ૪ સપ્ટેમ્બરે યોજાનાર ૨૦મી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.