જામનગરમાં શ્રાવણી લોકમેળાના ૩૫માંથી ૭ પ્લોટના રી-ટેન્ડર કરાશે
ઓફલાઇનમાં ફુડઝોનના ૬, પોપર્કોનના એક પ્લોટ માટે સીંગલ ટેન્ડર આવ્યું
કુલ ૮૮ ટેન્ડર આવ્યા હોય સાંજ સુધી ટેન્ડર ખુલવાની પ્રક્રીયા ચાલી
જામનગરમાં શ્રાવણી લોકમેળાના ૩૫ પ્લોટના ઓફલાઇન આવેલા ૮૮ ટેન્ડર ગઇકાલેે ખુલ્યા હતાં. જેમાં ૭ પ્લોટમાં સીંગલ એટલે કે એક જ ટેન્ડર આવતા આ તમામ ૭ પ્લોટના રી-ટેન્ડર કરાશે. ઓફલાઇનમાં ફુડઝોનના ૬ અને પોપર્કોનના એક પ્લોટ માટે સીંગલ ટેન્ડર આવતા ખોલવામાં આવ્યા ન હતાં મશીન મનોરંજનના આઠ મોટા પ્લોટના ઓનલાઇન ટેન્ડર આજે સવારે ખુલશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૧૧ દીવસ શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં નાના-મોટા ૪૩ પ્લોટ માટે મહાનગરપાલીકા દ્વારા ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૫ પ્લોટસ માટે ઓફલાઇન અને ૮ મોટા પ્લોટ માટે ઓનલાઇન ટેન્ડર મંગાવામાં આવ્યા હતાં. ૩૫ પ્લોટ માટે કુલ ૮૮ ઓફલાઇન ટેન્ડર ભરાયા હતાં. આ ટેન્ડર ખોલવાની પ્રક્રીયા ગઇકાલે સવારે મનપાની ફાયર ઓફીસના બીજા માળે હાથ ધરવામાં આવી હતી. જેમાં ચિલ્ડ્રન રાઇડસના ૮ પ્લોટ માટે ૨૨, રમકડા સ્ટોલના ૬ પ્લોટ માટે ૨૨, મીની રાઇડસના ૭ પ્લોટ માટે ૨૦, પો૫કોર્નના ૭ પ્લોટ માટે ૧૭ અને ફુડઝોનના ૭ પ્લોટ માટે ૭ ઓફલાઇન ટેન્ડરનો સમાવેશ થાય છે. ઓફલાઇન ટેન્ડર ખોલવાની પ્રક્રીયા દરમ્યાન ફુડઝોનના ૬ પ્લોટ તથા પોપર્કોનના એક પ્લોટ માટે સીંગલ ટેન્ડર આવતા આ તમામ ૭ પ્લોટના રી-ટેન્ડર કરવામાં આવશે તેમ એસ્ટટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. જયારે જે ટેન્ડરો ખૂલ્યા છે તેના પર મંજૂરીની મહોર હવે લાગશે. જયારે મશીન મનોરંજનના ૮ પ્લોટના ટેન્ડર કે જે રૂ.૫ લાખથી વધુના હોય ઓનલાઇન મંગાવામાં આવ્યા હોય તે શુક્રવારે સવારે ખોલવામાં આવ્યા હતાં.