દ્વારકા પંથકમાં ૨૪ કલાકમાં દારૂના રેકોર્ડબ્રેક ૯૮ કેસ
પોલીસ ટુકડીઓ દ્વારા સપાટો બોલાવ્યો : અધધ કેસથી દારૂબંધી નીતિ સામે ગંભીર સવાલો: પોલીસની લાલ આંખથી બુટલેગરોમાં ફફડાટ
ગુજરાતમાં કડક દારૂબંધી હોવાના સરકારી દાવાઓ કેટલા પોકળ, બોગસ અને હાસ્યાસ્પદ છે તેનો જીવતો-જાગતો પુરાવો પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી સામે આવ્યો છે. તંત્ર દ્વારા કાયદો-વ્યવસ્થા અને દારૂબંધીના કડક અમલના નામે રોજબરોજ મોટી-મોટી ગુલબાંગો ફૂંકવામાં આવે છે, પરંતુ માત્ર ૨૪ કલાકની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં પ્રોહીબિશન હેઠળ પૂરા ૯૮ કેસો નોંધાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ચોંકાવનારો અને સત્તાવાર આંકડો સામે આવતા જ એક તરફ સરકારની દારૂબંધીની નીતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને પ્રજા પૂછી રહી છે કે શું દેવભૂમિ દ્વારકા જિલ્લો ખરેખર ગુજરાતમાં જ આવે છે કે પછી અહીં દારૂબંધીનો કાયદો સાવ મૃતપાય થઈ ચૂક્યો છે? તો બીજી તરફ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા દારૂડિયાઓ અને બુટલેગરો વિરુદ્ધ બોલાવાયેલા આ સપાટાની ભારે પ્રશંસા પણ થઈ રહી છે કે પોલીસે આટલી મોટી સંખ્યામાં દારૂડિયાઓ અને અડ્ડાઓ શોધી કાઢી સપાટો બોલાવ્યો છે.
પોલીસ ચોપડે નોંધાયેલી સત્તાવાર વિગતો અનુસાર, ૨૨ સપ્ટેમ્બરના રોજ જિલ્લાના ખંભાળીયા, દ્વારકા શહેર, મીઠાપુર, કલ્યાણપુર, સલાયા મરીન, ઓખા મરીન, બેટ દ્વારકા તેમજ ભાણવડ સહિતના તમામ વિસ્તારોમાં દેશી દારૂના સંગ્રહ, વેચાણ અને કેફી પીણાં પીને છાકટા બની ફરવાના કેસોનો જાણે રાફડો ફાટ્યો છે. સલાયા પંથકમાં ડી.વી. નગર, હુશેની ચોક, ઉગમણા બારા, દખણાદા બારા, વચલા બારા તેમજ જૂના પોલીસ સ્ટેશન પાસે દેશી દારૂના અડ્ડાઓ અને નશાખોરો સામે કેસો થયા છે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના જલારામનગર, શિવપાર્ક સોસાયટી, હનુમાનધાર અને લીરબાઈનગર વિસ્તાર તેમજ ભાટીયા ગામના મેઈન બજાર, ખડકી નાકા અને શંકર ટેકરી ઉપરાંત લાંબા ગામ, ભોગાત ગામના વાડી વિસ્તાર, કલ્યાણપુર બસ સ્ટેન્ડ અને ગઢકા ગામના દરબાર પાડામાંથી દેશી દારૂના કેસો સામે આવ્યા છે.
દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી છે, જેમાં ટી.વી. સ્ટેશન ચોકડી, રૂપેણબંદર ચેક પોસ્ટ, નરસંગ ટેકરી, ફુલવાડી ચોક, લેમન્ટ્રી હોટલ પાછળ તેમજ શિવરાજપુર, મકનપુર અને બરડીયા ગામમાંથી ખુલ્લેઆમ દેશી દારૂ મળી આવતા કેસો નોંધાયા છે. બેટ દ્વારકાના ઇચ્છાઇ ચોક વિસ્તારમાંથી પણ નશાખોરો ઝડપાયા છે. મીઠાપુર તાબાના સુરજકરાડી રામાપીર મંદિર, મલારા તળાવ, ગાંધી નિવાસ તથા આરંભડા સીમના આંબેડકર સોસાયટી, ગાયત્રીનગર, કે.પી.એસ. સ્કૂલ પાસે તેમજ ભીમરાણા ગામ અને મોજપ ગામના વાંજરેટી વિસ્તારમાં મોટાપાયે દેશી દારૂનો વેપલો પકડાયો છે. ઓખા મરીન વિસ્તારમાં તો જાણે દારૂની રેલમછેલ હોય તેમ ઓખા આર.કે. બંદર, મોરી જેટી, મેઇન ગેટ, વંદુર જેટી અને બોટોની આસપાસમાંથી નશાની હાલતમાં ફરતા તેમજ દારૂ રાખતા શખ્સો સામે ઉપરાઉપરી કેસો દાખલ કરાયા છે. ભાણવડ પંથકના હાથલા ગામ, વેરાડ નાકા, જકાત નાકા, મોખાણા ગામ, ગાંધી ચોક, વેરાડ ગામની સોસાયટી અને ગુંદા ગામ તેમજ ખંભાળીયા શહેરના જોધપર નાકા, સલાયા ચાર રસ્તા, કણજાર ચોકડી, મીલન ચાર રસ્તા, ગુલાબનગર ટેકરી, એસ.ટી. બસ સ્ટેશન રોડ અને વડત્રા ગામમાંથી પણ પ્રોહીબિશનના કેસો નોંધાયા છે.
માત્ર એક જ દિવસમાં ૯૮ સ્થળોએથી સામે આવેલા પ્રોહીબિશનના કેસોની આ લાંબી યાદી ચીખી-ચીખીને સાબિત કરે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખૂણે-ખૂણે દેશી દારૂની હાટડીઓ કોઈપણ જાતના ડર વગર ધમધમી રહી છે. ગાંધીના વિચારોનું ગાણું ગાતી સરકાર અને શાસકો માટે આ આંકડો લપડાક સમાન છે કે પવિત્ર ભૂમિ પર દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. જોકે આ નાજુક પરિસ્થિતિ વચ્ચે એક તરફ કાયદો-વ્યવસ્થા અને શાસકોની દારૂબંધી નીતિ પર આકરા સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની આક્રમક કામગીરીને પણ લોકો બિરદાવી રહ્યા છે. જિલ્લામાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં દારૂડિયાઓ અને બુટલેગરોને શોધી કાઢી, કાયદાનું ભાન કરાવીને જે સપાટો બોલાવ્યો છે તે પોલીસની સક્રિયતા દર્શાવે છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસની આ કડક ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહેશે કે પછી સરકારની છબી બચાવવા પૂરતી જ સીમિત રહી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
