દેવભૂમિ દ્વારકા: નાગેશ્ર્વર એટલે સર્પોના સ્વામી: ભગવાન શિવના સ્વરૂપ સાથે નાગનું આધ્યાત્મિક જોડાણ

  • August 17, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: નાગેશ્ર્વર એટલે સર્પોના સ્વામી: ભગવાન શિવના સ્વરૂપ સાથે નાગનું આધ્યાત્મિક જોડાણ

દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર એટલે જાણે હરી અને હરનું મિલન:દ્વારકા કાળિયા ઠાકોરથી ૧૭ કીલોમીટરના અંતરે બિરાજતા ભોળાનાથ 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા શહેર અને બેટ દ્વારકા વચ્ચે આવેલું નાગેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગોમાં અત્યંત પવિત્ર સ્થાન ધરાવે છે. અરબી સમુદ્રના કિનારાના આ પવિત્ર પ્રદેશમાં આવેલું નાગેશ્વર ધામ દ્વારકાની યાત્રાને શૈવ અને વૈષ્ણવ પરંપરાના અનોખા સંગમથી વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ આપે છે.નાગેશ્વરને બાર જ્યોતિર્લિંગોમાંનું એક સ્વયંભૂ શિવલિંગ ધરાવતું પવિત્ર તીર્થ છે.

નાગેશ્વર શબ્દનો અર્થ થાય છે નાગોના ઈશ્વર અથવા સર્પોના સ્વામી. ભગવાન શિવના સ્વરૂપ સાથે નાગનું વિશેષ આધ્યાત્મિક જોડાણ જોવા મળે છે. શિવજીના કંઠે શોભતો નાગ તેમના નિર્ભય, સંયમી અને વિષ પર વિજય મેળવનારા સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે.નાગેશ્વર જ્યોતિર્લિંગને પ્રાચીન દારુકાવન સાથે જોડવામાં આવે છે. દ્વાદશ જ્યોતિર્લિંગોના પ્રસિદ્ધ સ્તોત્રમાં પણ નાગેશનું દારુકાવન સાથે જોડાણ જોવા મળે છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગની સૌથી પ્રસિદ્ધ કથા શિવપુરાણ સાથે સંકળાયેલી છે. કથા અનુસાર દારુક નામનો અસુર રહેતો હતો આ અસુરે અનેક લોકોનું અપહરણ કરીને તેમને બંધક બનાવ્યા હતા. તેમાં સુપ્રિય નામનો શિવભક્ત પણ હતો. કેદમાં હોવા છતાં સુપ્રિયની ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અડગ રહી.સુપ્રિયે અન્ય કેદીઓને પણ ભગવાન શિવનું સ્મરણ કરવા અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરવા પ્રેરિત કર્યા. ભક્તોની આ અખંડ પ્રાર્થનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા અને પોતાના ભક્તોની રક્ષા કરી. ત્યારબાદ આ સ્થળે ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હોવાનું પુરાણોમાં વર્ણવાય છે.

જ્યોતિર્લિંગ એટલે ભગવાન શિવનું એવું દિવ્ય સ્વરૂપ, જેમાં તેમને અનંત પ્રકાશસ્તંભ તરીકે માનવામાં આવે છે. હિંદુ પરંપરામાં બાર જ્યોતિર્લિંગોને ભગવાન શિવના વિશિષ્ટ અને પવિત્ર પ્રાકટ્યસ્થળો તરીકે પૂજવામાં આવે છે.
નાગેશ્વર આ દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં ભગવાન શિવના દર્શન, પૂજન અને અભિષેક માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે.નાગેશ્વર મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, દ્વારકા શહેરથી બેટ દ્વારકા તરફ જતા માર્ગ પર આવેલું છે દ્વારકા રેલવે સ્ટેશનથી મંદિર આશરે ૧૬ કિલોમીટરના અંતરે આવેલું છે.

નાગેશ્વર મંદિર પરિસરમાં વિશાળ બગીચો અને ભગવાન શિવની આશરે ૨૫ મીટર ઊંચી બેઠેલી પ્રતિમા વિશેષ આકર્ષણ છે. નાગેશ્વરનું શાંત વાતાવરણ, મંદિરની આધ્યાત્મિકતા અને વિશાળ શિવ પ્રતિમા યાત્રાળુઓને વિશિષ્ટ અનુભવ કરાવે છે.

નાગેશ્વર ધામનું એક વિશેષ મહત્ત્વ એ છે કે તે દ્વારકાની પવિત્ર યાત્રાના મુખ્ય સ્થળોમાંનું એક છે. દ્વારકાધીશ મંદિર,રુક્મિણી મંદિર, ગોમતી ઘાટ અને બેટ દ્વારકા સાથે નાગેશ્વરની યાત્રા કરવાથી ભક્તો માટે એક વિશાળ ધાર્મિક પરિક્રમા પૂર્ણ થાય છે.આ રીતે દ્વારકા ક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણની વૈષ્ણવ પરંપરા અને નાગેશ્વરમાં ભગવાન શિવની શૈવ પરંપરા એક જ પવિત્ર ભૂમિમાં જોવા મળે છે.

નાગેશ્વર દ્વારકા અને આસપાસનાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. તેમાં દ્વારકાધીશ મંદિર અને ગોપી તળાવ તીર્થનો સમાવેશ થાય છે. નાગેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્ત સ્વ.ગુલશન કુમાર દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવ્યા સાથોસાથ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા પણ અનેક વિકાસના કાર્યો કરાયા છે. નાગેશ્વર નજીકનું ગોપી તળાવ પણ કૃષ્ણ અને ગોપીઓની પરંપરાગત કથાઓ સાથે જોડાયેલું પવિત્ર સ્થળ છે.

દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરતી પર આવેલું આ જ્યોતિર્લિંગ ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. દ્વારકાધીશના દર્શન સાથે નાગેશ્વર મહાદેવના દર્શન કરવાની પરંપરા અનેક યાત્રાળુઓ માટે આધ્યાત્મિક યાત્રાને પૂર્ણતાનો અનુભવ કરાવે છે.ૐ નમ: શિવાયના પવિત્ર નાદથી ગુંજતું નાગેશ્વર ધામ આજે પણ ભક્તોને શ્રદ્ધા, શાંતિ અને આધ્યાત્મિક પ્રકાશનો સંદેશ આપે છે.

દર શ્રાવણ માસે દેશભરમાંથી ભોળાનાથના ભક્તો શિવકૃપા પ્રાપ્ત કરવા આવે છે, દ્વારકા-બેટ-દ્રારકામાં આવેલા શિવાલયો:

પંચેશ્વર મહાદેવ,બાણેશ્વર મહાદેવ,ધીંગેશ્વર મહાદેવ,નીલકંઠ મહાદેવ,સિદ્ધનાથ મહાદેવ, રાજા રાજેશ્વર સ્ફટિક લિંગ મહાદેવ મંદિર ઉમેશ્વર મહાદેવ,સિદ્ધનાથ મહાદેવ,તોકરા સ્વામી શિવ મંદિર,નર્મદેશ્વર મહાદેવ,કણેશ્વર મહાદેવ, એકાદશ મહાદેવ મંદિર,સોમેશ્વર મહાદેવ,રામેશ્વર મહાદેવ, ઋણમુક્તેશ્વર મહાદેવ,ધીંગેશ્વર મહાદેવ,બાણેશ્વર મહાદેવ,પંચેશ્વર મહાદેવ,કાશી વિશ્વનાથ મહાદેવ,કુશેશ્વર મહાદેવ,સિદ્ધેશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ,ભડકેશ્વર મહાદેવ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ સહિતના અનેક ભોળાનાથના મંદિરો શિવ શિવ શિવના નાદ સાથે શ્રાવણ માસમાં વિશેષ પૂજન-અર્ચનની સાથોસાથ શિવજીને શણગાર કરવામાં આવે છે.
​​​​​​​
નાગેશ્વર મંદિરમાં ભોળાનાથને શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ વિશીષ્ટ અલગ અલગ શણગાર કરવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application