ITRA જામનગર સફળ સંશોધન: યોગાસન અને આયુર્વેદિક ઔષધના સમન્વયથી બાળકોમાં પથારી ભીની કરવાની સમસ્યામાં ૭૦% સુધીની રાહત

  • October 05, 2026 04:40 PM 

ITRA જામનગર સફળ સંશોધન: યોગાસન અને આયુર્વેદિક ઔષધના સમન્વયથી બાળકોમાં પથારી ભીની કરવાની સમસ્યામાં ૭૦% સુધીની રાહત

વિશ્વ વિખ્યાત આયુ જર્નલમાં પ્રસિધ્ધ થયેલા સંશોધન પત્ર દ્વારા સમર્થન

૮ અઠવાડિયાના પ્રયોગમાં ઉત્કૃષ્ટ પરિણામ: પથારી ભીની કરવાની આદત ઘટવાની સાથે બાળકોની યાદશક્તિ અને એકાગ્રતા વધી, ચિડચિડાપણું દૂર થયું: ITRA ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી

વિકાસશીલ ઉંમરના બાળકોમાં જોવા મળતી સામાન્ય છતાં શરમજનક સમસ્યા એટલે કે ‘શય્યામૂત્ર’ (ઊંઘમાં પથારી ભીની કરવી) સામે આયુર્વેદ અને યોગના સંયોજને ઉત્તમ પરિણામ આપ્યું છે. જામનગર સ્થિત ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ’ (ITRA) ખાતે થયેલા એક તબીબી અભ્યાસમાં સામે આવ્યું છે કે ફક્ત આયુર્વેદિક દવા લેવા કરતાં તેની સાથે દરરોજ થોડાં સરળ યોગાસન કરાવવાથી બાળકોમાં ખૂબ ઝડપી અને ઉત્તરોતર સુધારો થાય છે. સંસ્થા દ્વારા થયેલા આ સંશોધનમાં ૬ થી ૧૪ વર્ષની વયજૂથના ૩૮ જેટલા બાળકો પર બે મહિના (૮ અઠવાડિયા) સુધી સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

કેવી રીતે કરવામાં આવ્યો અભ્યાસ?

ITRAના બાળરોગ વિભાગ (કૌમારભૃત્ય) ખાતે કરવામાં આવેલા આ અભ્યાસમાં બાળકોને બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતા:

જૂથ-૧ માત્ર આયુર્વેદ ઔષધ (ચૂર્ણ):
આ જૂથના બાળકોને બ્રાહ્મી, શંખપુષ્પી, જેઠીમધ અને ગળોના મિશ્રણમાંથી બનેલું ‘મેધ્ય રસાયણ ચૂર્ણ’ દૂધ સાથે દિવસમાં બે વાર આપવામાં આવ્યું.

જૂથ-૨ આયુર્વેદ ઔષધ (ચૂર્ણ + યોગાસન):
આ જૂથના બાળકોને આયુર્વેદ ચૂર્ણની સાથે નિયમિત રીતે સવાર-સાંજ ચાર સરળ યોગાસન – ઉત્કટાસન, અર્ધ-શલભાસન, ભુજંગાસન અને શવાસન કરાવવામાં આવ્યા.

સરળ આંકડાઓમાં પરિણામો:
પથારી ભીની કરવાની સમસ્યામાં મોટો ઘટાડો: જે બાળકોએ માત્ર આયુર્વેદિક ચૂર્ણ લીધું હતું, તેમાં પથારી ભીની કરવાની આવૃત્તિમાં આશરે ૩૮% સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ચૂર્ણ સાથે નિયમિત યોગાસન કરનારા બાળકોમાં ૭૦% જેટલી નોંધપાત્ર રાહત નોંધાઈ હતી.
​​​​​​​
​​​​​યાદશક્તિમાં વધારો:
યોગાસન અને ઔષધ લેનારા બાળકોની યાદશક્તિમાં આશરે ૬૧% જેટલો સુધારો થયો, જ્યારે માત્ર દવા લેનારા બાળકોમાં ૩૧% સુધારો થયો.

સ્વભાવ અને ચિડચિડાપણામાં રાહત:
પથારી ભીની કરવાથી બાળકો લઘુતાગ્રંથિ અનુભવતા હોય છે, જેનાથી તેમનામાં ગુસ્સો વધે છે. સંયુક્ત ઉપચાર મેળવનાર બાળકોના ચિડચિડાપણામાં ૬૬% ઘટાડો જોવા મળ્યો હતો.

એકાગ્રતા અને શાંતિ:
નિયમિત યોગથી બાળકોમાં વધારે પડતી અતિસક્રિયતા (હાઈપરએક્ટિવિટી) ૭૧% જેટલી ઘટી હતી અને તેમની એકાગ્રતા તેમજ મનોબળમાં ઉત્સાહજનક વધારો થયો હતો.

વૈશ્વિક કક્ષાએ પ્રસિધ્ધ થતાં આયુ જર્નલ કે જે રિસર્ચના વિશ્વમાં પબમેડ કક્ષાનું રીસર્ચ જર્નલ છે તેમાં પ્રો.  વૈદ્ય વીરેન્દ્ર કોરી, વૈદ્ય સાગર ભિંડે અને વૈદ્ય અમીષા બાવરવા દ્વારા પ્રાયોગિક પ્રક્રિયા દ્વારા સચોટ આંકડાઓ દ્વારા ઊંડાણપૂર્વકનું પૃથ્થકરણ કરી સંશોધન પત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેને સમર્થન મળતાં આ પત્ર પ્રસિધ્ધ થયું છે.  

યોગ અને આયુર્વેદ શા માટે કારગર બન્યા?
ITRA ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી જણાવે છે કે, ઊંઘમાં પેશાબ થઈ જવો એ ઘણીવાર મૂત્રાશયના સ્નાયુઓનું નબળું નિયંત્રણ અને માનસિક તાણનું પરિણામ હોય છે.

ઉત્કટાસન અને ભુજંગાસન જેવા આસનો કરવાથી બાળકના મૂત્રાશય અને પેલ્વિક ભાગના સ્નાયુઓ મજબૂત બને છે, જેથી પેશાબ રોકવાની ક્ષમતા વધે છે. જ્યારે બ્રાહ્મી અને શંખપુષ્પી જેવા ઘટકો મગજ અને ચેતાતંત્રને શાંત કરી ઊંઘ અને મૂત્રાશય વચ્ચેના સંકલનને સુધારે છે. આ અભ્યાસ સાબિત કરે છે કે કોઈ આડઅસર વિના, જીવનશૈલીમાં સામાન્ય આસનો અને આયુર્વેદના ઉપયોગથી બાળકોની આ જટિલ સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવી શકાય છે. આમ હવે આયુર્વેદને માત્ર ચિકિત્સા પધ્ધતિ તરીકે જ નહીં પરંતુ એક જીવનશૈલી તરીકે જો અપનાવવામાં આવે તો સમગ્ર સ્વાસ્થ્ય માટે અગત્યનું પરિબળ બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application