અમદાવાદમાં બુટલેગરે ગાડી ચડાવવાનો પ્રયાસ કરતા SMCની ટીમે કર્યું ફાયરિંગ, આરોપી ભાગી છૂટવામાં સફળ

  • October 22, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ જવાના રસ્તા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. એસએમસીની ટીમે બુટલેગરની ગાડીનો શાહીબાગથી પીછો કર્યો હતો, પરંતુ બુટલેગર ભાગી રહ્યો હતો. આ દરમિયાન બુટલેગરે બચવાનો પ્રયાસ કરતી વખતે એસએમસીની ટીમ પર જ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં પોલીસ ટીમે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, ફાયરિંગ થતાં જ બુટલેગર વાહન સાથે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.   

ઘટનાની વિગતો અનુસાર, એસએમસીના પીઆઈ મિતેશ ત્રિવેદીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અસારવાના ખંડુભાઈ દેસાઈ હોલ પાસે દારૂનું કટીંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે એસએમસીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસની હાજરી જોતાં જ બુટલેગર પોતાની ગાડી લઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આથી એસએમસીની ટીમે બુટલેગરનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. બુટલેગર અસારવાથી ભાગીને શાહીબાગ ડફનાળા થઈને એરપોર્ટ તરફ પૂરપાટ ઝડપે આગળ વધ્યો હતો.   

એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ તરફ જતા રસ્તા પર આવેલી સરસ્વતી પાર્ક સોસાયટી પાસે એસએમસીની ટીમે બુટલેગરની ગાડીને ઘેરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બુટલેગરે શરણાગતિ સ્વીકારવાના બદલે એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ પર ગાડી ચઢાવીને તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ અચાનક થયેલા હુમલાથી બચવા અને બુટલેગરને રોકવા માટે એસએમસીની ટીમે રક્ષણ અર્થે ગાડી પર એક રાઉન્ડ બચાવમાં ફાયરિંગ કર્યું હતું.   

ફાયરિંગ થતાં જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને બુટલેગર તકનો લાભ ઉઠાવીને પોતાની ગાડી સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ દોડી આવ્યો હતો. હાલમાં આ સમગ્ર મામલે એસએમસીના અધિકારીઓ દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર વિરુદ્ધ ફરજમાં રુકાવટ અને પોલીસ ટીમ પર ગાડી ચઢાવીને હત્યા કરવાનો પ્રયાસ કરવા અંગેની કાનૂની ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application