જામનગરમાં ભક્તિનું પૂર: આવતીકાલથી પવિત્ર અધિક પુરૂષોત્તમ માસનો પ્રારંભ

  • May 16, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ભક્તિનું પૂર: આવતીકાલથી પવિત્ર અધિક પુરૂષોત્તમ માસનો પ્રારંભ

 ાા ૐ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મનેમ, પ્રણત: ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ: ાા

છોટી કાશી ધાર્મિક ઉત્સવોથી ગુંજી ઉઠશે: સમગ્ર હાલાર પંથકના મંદિરો, શિવાલયોસહિત ધાર્મિક સ્થાનોમાં પૂજન-અર્ચનના આયોજનો

દેવાધિદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધનાનો સર્વોત્તમ સમય ગણાતો પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. દર ત્રણ વર્ષે આવતા આ વિશેષ અને દુર્લભ મહિનાને લઈને જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

છોટી કાશી તરીકે વિશ્વવિખ્યાત જામનગરના વિવિધ વૈષ્ણવ મંદિરો, શિવાલયો અને ધાર્મિક સ્થાનોમાં આ આખા મહિના દરમિયાન વિશેષ પૂજન, અર્ચન અને વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ પવિત્ર મહિનો આગામી એક મહિના સુધી ચાલશે અને આ દરમિયાન જામનગરમાં ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે.

હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેના દિવસોના તફાવતને સંતુલિત કરવા માટે દર ૩૨ મહિને પંચાંગમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ અથવા મલમાસ કહેવામાં આવે છે. આ મહિનાના અધિપતિ દેવ ખુદ ભગવાન વિષ્ણુ હોવાથી તેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે.

આ મહિનામાં કરેલી ભક્તિ, જાપ, તપ અને દાનનું ફળ અન્ય સામાન્ય મહિનાઓ કરતાં હજારો ગણું વધારે મળતું હોવાથી સનાતન ધર્મમાં તેનું અતિ મહત્ત્વ છે. જોકે, આ સમયગાળા દરમિયાન લગ્ન પ્રસંગો, ગૃહ પ્રવેશ, જનોઈ કે નવા વેપાર-ધંધાના મુહૂર્ત જેવા ભૌતિક કે માંગલિક કાર્યો વર્જિત ગણાય છે, પરંતુ આધ્યાત્મિક અને નિષ્કામ કર્મ કરવા માટે આ સમય સર્વોત્તમ માનવામાં આવે છે.

પુરુષોત્તમ માસ નિમિત્તે જામનગર શહેરમાં વહેલી સવારથી જ ધાર્મિક વાતાવરણ જોવા મળશે. આ પવિત્ર માસ દરમિયાન જામનગરના પ્રખ્યાત કૃષ્ણ મંદિરો અને હવેલીઓમાં ભગવાનને વિશેષ શણગાર, પલના મનોરથ, કુંજ મનોરથ અને છપ્પન ભોગ જેવા દિવ્ય આયોજનો કરવામાં આવશે. વહેલી સવારે મંદિરોમાં મંગળા આરતીના દર્શન માટે વૈષ્ણવોની ભીડ ઉમટશે. આ ઉપરાંત, શહેરમાં ઠેર-ઠેર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાના પારાયણનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથા શ્રવણનો લાભ લેશે.

આ પવિત્ર માસમાં વિશેષ કરીને બહેનો-માતાઓ દ્વારા વ્રત અને ઉપવાસ રાખવામાં આવે છે. મહિલાઓ વહેલી સવારે પવિત્ર સ્નાન કરી, ભગવાન પુરુષોત્તમ રાયજીની પૂજા-અર્ચન કરશે અને વાર્તાનું શ્રવણ કરશે.

આ મહિનામાં દીપદાન (દીવો પ્રગટાવવો) અને ગૌસેવાનું પણ વિશેષ મહત્વ હોવાથી જામનગરની વિવિધ ગૌશાળાઓમાં ઘાસચારો અને લાડુ ખવડાવવાના સેવાકાર્યો મોટા પાયે હાથ ધરાશે. ગરીબો અને જરૂરિયાતમંદોને અન્નદાન અને વસ્ત્રદાન કરવા માટે પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલથી શરૂ થતો આ ભક્તિનો પર્વ જામનગર શહેરને ધર્મમય વાતાવરણથી ભરી દેશે તે ચોક્કસ છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News