દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન: જામખંભાળિયાની શેઠ દા.સુ.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે 'મારા સપનાનું ભારત' થીમ અંતર્ગત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

  • September 19, 2026 02:33 PM 

દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન: જામખંભાળિયાની શેઠ દા.સુ.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે 'મારા સપનાનું ભારત' થીમ અંતર્ગત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

સમગ્ર રાજ્યમાં સેવાકીય કાર્યોને કેન્દ્રમાં રાખીને એક મહિનાનું 'સેવા સંકલ્પ અભિયાન' ઉજવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં વિવિધલક્ષી આયોજનો કરવામાં આવ્યાં છે, જે ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતે આવેલ શેઠ દા.સુ.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે 'મારા સપનાનું ભારત' થીમ અંતર્ગત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. 

આ તકે રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયાએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સશક્ત અને વિકસિત ભારતમાં દીકરીઓનું મહત્વનું યોગદાન રહેવાનું છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દીકરીઓને તકો મળી રહે તે માટે મહિલા આરક્ષણ લાવી છે. સરકાર વિવિધ સ્કોલરશીપ દ્વારા દીકરીઓ વધુ ને વધુ ભણે અને આત્મનિર્ભર થઈ પોતાના સમાજ અને દેશનું નામ રોશન કરે તે માટે પ્રોત્સાહિત કરે છે. વધુમાં તેમણે તમામ વિધાર્થીઓને સ્પર્ધામાં વક્તૃત્વમાં અભિવ્યક્ત કરેલા વિચારો અને ચિત્રોમાં પ્રદર્શિત કરેલ સર્જનાત્મક પ્રસ્તુતીને બિરદાવી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે મુક્ત સંવાદ કરીને શિક્ષણકાર્ય વિશે ફિડબેક પણ મેળવ્યો હતો અને દીકરીઓને ધ્યેય નક્કી કરી શિક્ષિત થઈ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરે તે માટે  પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યાં હતાં. 

સર્વધર્મ પ્રાર્થના દ્વારા વિજેતા સન્માન કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. વિજેતા વિદ્યાર્થીનીઓ દ્વારા વિકસિત ભારત, બેટી બચાવો બેટી પઢાઓ વિષયો પર ચોટદાર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. બંને સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શીર્ષ ત્રણ વિદ્યાર્થિનીઓને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ તેમજ સ્ટેશનરી કીટ વિતરિત કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

નોંધનીય છે કે, શ્રી શેઠ દામોદર સુંદરજી ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં ધોરણ ૯ થી ૧૨ની લગભગ ૩૦૦ વિદ્યાર્થિનીઓ એ ભાગ લીધો હતો, જ્યારે ૨૦ વિદ્યાર્થિનીઓએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ તકે સ્થાનિક અગ્રણી શૈલેષ કણજારિયા, શાળા આચાર્ય કંચનબેન પટાટ અને શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સામેલ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application