જામનગરના જુના કુંભારવાડામાં ગટરના ગંદા પાણીથી નર્કાગાર સ્થિતિ

  • February 21, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના જુના કુંભારવાડામાં ગટરના ગંદા પાણીથી નર્કાગાર સ્થિતિ


ગુજરાતમાં ભુગર્ભ ગટર યોજનાનો પ્રારંભિક હેતુ શહેરમાં સ્વચ્છતા અને સુઅરેજ વ્યવસ્થાપન સુધારવાનો હતો ત્યારે રાજય સરકારે વર્ષ ૨૦૦૯માં ૧૫૦ થી વધુ નગરપાલિકાઓમાં ભુગર્ભ ગટર યોજના અમલમાં મુકવાના હુકમો કર્યા હતા. ત્યારબાદ આ પ્રોજેકટનું અમલીકરણ ઘણી ધીમી ગતિએ જોવા મળ્યું હતું આજ દિન સુધી આ પ્રોજેકટ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એવું જામનગરમાં જોવા મળે છે. રાજયની તમામ નગરપાલિકા- મહાનગરપાલિકાઓમાં સો ટકા ભુગર્ભ ગટર વ્યવસ્થા પુરી પાડવા રાજય સરકાર પ્રયાસો કરી રહી છે. 

હાલમાં જ ૨૦૨૬માં જામનગર મહાનગરપાલિકાએ ભુગર્ભ ગટરનું મજબૂતીકરણ અને વિસ્તૃતીકરણ માટે ૨૭.૫ કરોડનાં ખર્ચ હાથ ધર્યો હતો. મનપાની  ભુગર્ભ  ગટર શાખા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગરમાં તમામ વોર્ડમાં ભુગર્ભ ગટર નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ જામનગરના જુના કુંભારવાડા વિસ્તારમાં લગભગ છેલ્લા ૨૦ દિવસથી ગટરનું પાણી છલકાઇ રહ્યું છે. અને અધિકારીઓને રજુઆતો કર્યા બાદ પણ કોઇ કામગીરી હાથ ધરાઇ નથી. 

જામનગરના જુના કુંભારવાડા વિસ્તારમાં ઘણા દિવસોથી ગટરનું ગંદુ પાણી મુખ્ય રસ્તા પર ઉભરાઇ રહ્યું છે. બાઝીગર પાન ડીપો પાસે છેલ્લા ૨૦ દિવસથી રહેવાસીઓ ત્રાહીમામ થઇ રહ્યા છે. જુના કુંભારવાડા, બાઝીગર પાન પાસે આ સમસ્યા ઘણા સમયથી થઇ રહીછે. તેમજ આ વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ પણ આવેલુ છે ત્યાં આવતા ભકતો પણ ગંદકીનાં કારણે પરેશાન થઇ રહ્યા છે.  આ સમસ્યાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ઉભરાતી ગટરની સમસ્યાને લઇને રહેવાસી-વેપારીઓ દ્વારા ઘણી વખત જામનગર મહાનગરપાલિકાની ભુગર્ભ શાખામાં અનેક રજુઆતો કરવામાં આવી છે પરંતુ અધિકારી આ બાબતે કોઇ ઘ્યાન આપતા નથી તેવું રહેવાસીઓનું કહેવુ છે. 


હાલ પરિસ્થિતિ તેમજ વિસ્તારનાં દ્રશ્યો અને લોકો દ્વારા ઉઠતી ફરિયાદોને જોઇને એવું જ લાગે છે કે મનપાના અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસીને પગાર જ લે છે. લોકોની સમસ્યાઓ ઉપર કોઇ કામ કરવામાં આવી રહ્યું નથી. લોકો દ્વારા ફરિયાદો એવી પણ ઉઠી છે કે લેખિત, મૌખિક અને ઓનલાઇન ફરિયાદો કરાઇ છે પરંતુ હજુ સુધી કોઇ અધિકારીઓ સ્થળ ઉપર વીઝીટ કરવા આવ્યા નથી હાલ રસ્તાઓ ઉપર લોકોને ચાલવુ પણ મુશ્કેલ બન્યુ છે. ઉભરાતી ગટરનાં ગંદા પાણીને કારણે વેપારીઓ અને રહેવાસીઓને કોઇ મોટી બીમારી ન ફેલાઇ તેની પણ ચિંતા થઇ રહીછે. જો આ સમસ્યા વહેલી તકે નિવારણ નહિ થાય તો વિસ્તારમાં બીમારી મોટાપાયે ફેલાશે તેવી પણ લોકોમાં ચિંતા​​​​​​​ જોવા મળી હતી. હાલ રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહીછે. રહેવાસી-વેપારીઓ દ્વારા સમસ્યાનુ નિરાકરણ કરવા માંગ ઉઠી છે.                                                                                                                         



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application