જામનગરમાં સરકારી સસ્તા અનાજ ઘઉંના જથ્થાની ચોરીમાં પાંચ પકડાયા

  • October 08, 2026 12:01 PM 

જામનગરમાં સરકારી સસ્તા અનાજ ઘઉંના જથ્થાની ચોરીમાં પાંચ પકડાયા

પાણાખાણ-બેડી બંદર રોડ પર પોલીસ ત્રાટકી : ૩ હજાર કીલો ઘઉંનો જથ્થો અને ટેમ્પો કબજે : ગોડાઉનમાંથી ૧૮.૦૮ લાખના અનાજ લઇ ગયાની ફરીયાદ 

જામનગરના પાણાખાણ બેડી બંદર રોડ પર સસ્તા અનાજ ઘઉંના જથ્થા સાથે પાંચ શખ્સોને પોલીસે પકડી લીધા છે અને પુરવઠા વિભાગને જાણ કરી છે,  દરમ્યાનમાં બેડી બંદર રોડ વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનના જથ્થાની ચકાસણી કરતા ૧૮ લાખના અનાજની પતરા ઉંચકાવીને ચોરી કરી ગયાનું સામે આવતા પકડાયેલા પાંચેય શખ્સો સામે બીએનએસ અને આવશ્યક ચિજવસ્તુ ધારા મુજબ ફરીયાદ કરવામાં આવી છે. 

જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની અને ડીવાયએસપી ઝાલાની સુચનાથી, સીટી-બી પીઆઇ એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ બેડી ચોકીના પીએસઆઇ આર.બી. ઠાકોર અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન શંકાસ્પ્દ હાલતમાં નિકળેલા મીની ટેમ્પોને રોકીને તપાસ કરતા સરકારી અનાજ ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો અને શખ્સો સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી બીએનએસ કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, સરકારી અનાજની હેરાફેરી અને સગેવગે કરવાના આ કારસ્તાનને ખુલ્લુ પાડી તેના મુળ સુધી જવા ચક્રો ગતીમાન કર્યા છે. 

જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસે ગઇકાલે વહેલી સવારે પાણાખાણથી બેડી બંદર તરફ જતા રોડ પર શંકાસ્પદ સરકારી સસ્તા અનાજની હેરાફેરી ઝડપી પાડી હતી. સવારે વાહન નં. જીજે-૧૦-એટી-૪૭૪૭માં ૩,૦૦૦ કિલોગ્રામ ઘઉંનો જથ્થો લઈ જતા પાંચ ઇસમોને પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી.

પોલીસે આ મામલે બી.એન.એસ.એસ.ની કલમ ૩૫(૧)(ઈ) મુજબ પાંચેય ઇસમોની અટકાયત કરી કુલ ૬,૧૫,૫૨૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
​​​​​​​
પોલીસે ઝડપી પાડેલા ઇસમોમાં બેડીના ઇદમસ્જીદ રોડ ખાતે રહેતા શબીર જુસબભાઈ શેખ, અબ્બાસ વલીમામદ જેડા, અબ્દુલ વલીમોહમ્મદ જેડા, આબીદ અબ્દુલ જેડા અને ઈકબાલ અબ્દુલ કમોરાને પકડી લીધા હતા તેના કબ્જામાંથી ૨૭ બાચકા પ્લાસ્ટીકના ઘઉં ભરેલ અને શણના કોથળા ૩૬ ઘઉં ભરેલ, બે લોખંડના હુક, બે રસ્સા, મોબાઇલ, ટેમ્પો ગાડી વિગેરે મળી કુલ ૬.૧૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ અંગે આગળની તપાસ માટે લગત વિભાગને જાણ કરવામાં આવી હતી.

દરમ્યાનમાં જામનગરના વાસાવીરા વિસ્તાર અને દ્વારકાના નાયબ જીલ્લા મેનેજર ગ્રેડ-૨ સરકારી અધિકારી અશોકકુમાર સુચક દ્વારા સીટી-બી ડીવીઝનમાં બેડી ઇદ મસ્જીદ રોડ, સોઢાફળી ખાતે રહેતા ઉપરોકત શખ્સો જેમાં ઇકબાલ કમોરા, અબ્બાસ જેડા, શબીર શેખ, અબ્દુલ વલીમામદ અને આબીદ જેડાની સામે ભારતીય ન્યાયસંહીતા અને આવશ્યક ચિજવસ્તુધારા હેઠળ ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે પાણાખાણ બેડી બંદર રોડ પર એશીયાનીક ગોડાઉન ખાતે ગત તા. ૭ના ગુજરાત નાગરીક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ચોરી થયેલ કુલ ૧૫૦ મણ જેના ૬૩ બાચકા બાબતની જાણ ફરીયાદીને કરતા ફરીયાદી દ્વારા તેઓના હસ્તકના સરકારી ગોડાઉનમાં રહેલા અનાજની ચકાસણી કરતા જણાયેલ કુલ ૧૩૯૯ કટ્ટા (૫૦ કિલો નેટ) કે જેની કુલ કિ. ૧૮.૦૮.૨૦૭ સરકારી અનજાની રાત્રીના સમયગાળા દરમ્યાન છતના ફાયબરના પતરાને ઉંચકાવી ગોડાઉનમાં ગેરકાયદે પ્રવેશી સરકારી અનાજ ઘઉંની ચોરી કરવામાં એકબીજાને મદદગારી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સમયાંતરે સરકારી સસ્તા અનાજનો જથ્થો પરમીટ ધારકોને યોગ્ય માત્રામાં મળતો ન હોવાની અને કેટલીક જગ્યાએ સરકારી જથ્થો બારોબાર ચાંઉ થતો હોવાની અવાર નવાર ફરીયાદો ઉઠતી રહે છે દરમ્યાનમાં સરકારી અનાજનો જથ્થો મોટી માત્રામાં કબ્જે કરવામાં આવતા કાળાબજારીયાઓ સુધી પહોચવા તપાસ લંબાવવામાં આવી છે, જો તટસ્થ તપાસ લગત તંત્ર દ્વારા કરવામાં આવે તો કૌભાંડના તાર કયાં કયાં સુધી લંબાયા છે એ વિગતો ખુલવાની શકયતા નકારી શકાય નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application