જામનગર : જામ્યુકોના પદાધિકારીઓનાં નામ નકકી થવામાં બે-ત્રણ દિવસનું મોડું થઇ શકે 

  • May 06, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : જામ્યુકોના પદાધિકારીઓનાં નામ નકકી થવામાં બે-ત્રણ દિવસનું મોડું થઇ શકે 

જામનગર મહાપાલિકાના હોદેદારોની વરણી માટે હવે કદાચ થોડો વિલંબ થશે કારણકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત અને જામનગરની મુલાકાતે તા.૧૦ અને ૧૧ આવનાર છે ત્યારે પાર્લામેન્ટ્રી બોર્ડ હવે કદાચ મોડી મળે તેને કારણે તા.૧૦ પહેલા નામ જાહેર થવાની શકયતા હતી તેમાં હવે ફેરફાર થાય તેવી શકયતા છે. પરંતુ મેયર, ચેરમેન સહિતના મહત્વના હોદાઓ માટે છેલ્લી ઘડી સુધીનું લોબીંગ ચાલી રહ્યું છે.
 
જામનગર શહેરમાં આ વર્ષે કયારેય ન મળી હોય તેવી તોતીંગ બહુમતી ભાજપે મહાપાલિકાની ચુંટણીમાં મેળવી છે. ૬૪માંથી ૬૦ બેઠકો મેળવ્યા બાદ મુખ્ય પદો મેયર, ચેરમેન, અને ડે.મેયર માટે કોને બેસાડવામાં આવશે તે અંગે સૌ કોઇ પોતપોતાની રીતે જબરુ લોબીંગ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે, કેટલાક નામો ચર્ચામાં છે પરંતુ આ નામો છેલ્લી ઘડીએ ગુમ થતા હોવાનું પણ અગાઉ બન્યુ છે. આ પદ માટે લગભગ તા.૯ પહેલા કોણ આવશે તેની ખબર પડી જશે પરંતુ હાલ તો માહોલ ગરમ બન્યો છે. 

જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી ત્રણેક મહિલાઓનાં નામ મેયર પદની રેસમાં હોવાનુ જાણવા મળે છે, તેમાં આખરી પસંદગી થાય છે કે કેમ કે કોઇ નવું નામ જ મેયર પદમાં આવે છે તે જોવાનું રહ્યું તેવી જ રીતે ચેરમેન પદ માટે હાલ ત્રણ ચાર નામો ચર્ચાઇ રહ્યા છે પરંતુ કદાચ આ નામોમાંથી નવું નામ આવી શકે. તેમાં નવાઇ નહીં. આગામી ૨૦૨૭માં વિધાનસભાની ચુંટણી આવે છે, જ્ઞાતિ જાતિનું સમીકરણ પણ આ પ્રથમ પાંચ પદ માટે ગણતરીમાં લેવામાં આવશે તેવું પણ બહાર આવ્યું છે. કઇ કઇ જ્ઞાતિને આ વખતે સાચવી લેવામાં આવે છે તે અંગે પણ હાલ તો અસમંજસ છે.

ચેરમેન પદ માટે કેટલાક નામો રેસમાં છે ચર્ચામાં પણ આવી રહ્યા છે પરંતુ છેલ્લી ઘડી સુધી આ નામ રહેશે કે કેમ તે અંગે પ્રશ્ર્નાર્થ થયો છે.  આ નગરસેવકો રેસમાં કેટલા અંશે યોગ્ય છે અને તેમનો ઘોડો કયાં સુધી દોડશે તે પણ ભાજપ કઇ રીતે ગોઠવે છે તે કંઇ કહેવાય નહિ, ડે.મેયર પદ કોને આપવું તે અંગે પણ ભાજપમાં ખુબ વિમાસણ છે. ૬૦ નગરસેવકો ચુંટાયા છે ત્યારે કોના ગળામાં વરમાળા પહેરાવવી તે અંગેનો નિર્ણય ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડમાં થશે પરંતુ હાલ જે નામો ચર્ચાઇ રહ્યા છે તેમાંથી કોના પતા કપાય છે તે જોવાનું રહ્યું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application