ઓખા નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ
વોર્ડ નં. ૪ની તમામ બેઠક ભાજપના ફાળે બિનહરીફ: બાકીની ૩૨ બેઠકો માટે ૭૫ ઉમેદવારો વચ્ચે મુકાબલો
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬નો ચૂંટણી જંગ હવે અંતિમ તબક્કામાં પ્રવેશ્યો છે. આગામી ૧૧ ઓક્ટોબર, રવિવારે યોજાનારી ચૂંટણીમાં ૮ વોર્ડની ૩૨ બેઠકો માટે કુલ ૭૫ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે વોર્ડ નં. ૪ની ચારેય બેઠકો ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે.
ઓખા નગરપાલિકાનાં કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો પૈકી વોર્ડ નં. ૪ની ચાર બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની ૩૨ બેઠકો માટે ભાજપના ૩૨, કોંગ્રેસના ૨૮ અને આમ આદમી પાર્ટીના ૧૫ મળી કુલ ૭૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવાર મેદાનમાં નથી.
ઓખા નગરપાલિકાની અગાઉની સામાન્ય ચૂંટણીઓના ચિતાર પર નજર કરીએ તો ૨૦૧૬માં ૩૬ બેઠકો પૈકી ભાજપે ૨૦ અને કોંગ્રેસે ૧૬ બેઠકો મેળવી હતી. ત્યારબાદ ૨૦૨૧માં ભાજપે ૩૪ અને કોંગ્રેસે ૨ બેઠકો મેળવી હતી. આમ, અગાઉની બંને ચૂંટણીઓમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું હતું.
હવે ૨૦૨૬ની ચૂંટણીમાં ભાજપ ફરી વિકાસના મુદ્દા સાથે મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ સ્થાનિક પ્રશ્નોને આગળ ધરીને મતદારોનો સંપર્ક કરી રહ્યા છે. ત્રણેય પક્ષના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રચારકાર્ય તેજ બનાવવામાં આવ્યું છે.
ઓખા નગરપાલિકામાં ઓખા, બેટ, આરંભડા અને સુરજકરાડી એમ ચાર ગામોનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ, આરોગ્ય, શિક્ષણ તેમજ જમીન દબાણ જેવા સ્થાનિક પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં છે.
ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરી સંગઠિત રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ઉમેદવારો દ્વારા અગાઉના વર્ષોમાં થયેલા વિકાસકાર્યોનો હિસાબ રજૂ કરીને મત માગવામાં આવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ અને આપના ઉમેદવારો તથા કાર્યકરો ડોર-ટુ-ડોર સંપર્ક કરી સફાઈનો અભાવ, સ્થાનિક રોજગારી સહિતના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
વિસ્તારની દૃષ્ટિએ ઓખા નગરપાલિકા લગભગ ૧૭ કિલોમીટર લાંબા વિસ્તારમાં વિસ્તરેલી મહત્વની પાલિકા છે. બેટમાં વિશ્વવિખ્યાત યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે દ્વારકાધીશ ભગવાનનું મંદિર આવેલું છે. નજીકમાં ટાટા કેમિકલ્સ લિ., બી.એલ.એ. કોક પ્રા. લિ. સહિતના ઉદ્યોગો આવેલા છે.
ઓખામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકનું બંદર આવેલું છે. ઉપરાંત આશરે ૩,૦૦૦ જેટલી ફિશિંગ બોટ ધરાવતું ડાલડા મત્સ્ય બંદર તેમજ દેશ-વિદેશમાં જાણીતો સુદર્શન સેતુ પણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલો છે. દેશની સુરક્ષા સાથે સંકળાયેલી મહત્વની સંસ્થાઓની હાજરીને કારણે પણ ઓખા નગરપાલિકાનું વ્યૂહાત્મક મહત્વ વધે છે.
આટલી વિશેષતાઓ અને મહત્વ ધરાવતી ઓખા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરનો અભાવ પણ ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા લાંબા સમયથી દ્વારકાનાં ચીફ ઓફિસર પાસે ઓખા નગરપાલિકાનો વધારાનો ચાજો છે.
કાયમી ચીફ ઓફિસર ન હોવાથી સ્થાનિક પ્રજાના કામકાજ અને વહીવટી કામગીરીને અસર થતી હોવાની ચર્ચા છે. આ ઉપરાંત ઓખા નગરપાલીકા પાસે કોઈ કાયમી સ્ટાફ નથી. તમામ સ્ટાફ હંગામી કહી શકાય. યોગ્ય તાલીમનો અભાવ અને કાયેકુશળતાની ખામી ઉપરાંત અનુભવ ઓછો હોવાથી ફાયર વિભાગ, સફાઈ,પાણી વિતરણ, સ્ટ્રીટ લાઈટ,સેનીટેશન અને સિવિલ જેવાં કામોમાં નિયમિતતા, ગુણવત્તા અને ક્વોલિટી ની ખામીઓ જોવા મળે છે.
હવે આગામી ૧૧ ઓક્ટોબરે ચાર ગામોના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ૩૨ બેઠકો માટેના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જ્યારે ૧૩ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી બાદ ઓખા નગરપાલિકામાં આગામી બોર્ડમાં કયા પક્ષનું સંખ્યાબળ કેટલું રહેશે અને પ્રમુખપદની કમાન કોના હાથમાં જશે, તેના પર સૌની નજર મંડાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
