સલાયાની ભૂગર્ભ ગટર વ્યવસ્થાની પોલ ખુલ્લી: ત્રણેય પમ્પિંગ સ્ટેશન બંધ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડની નગરપાલિકાને નોટિસ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા સ્થળ તપાસ: સલાયાવાસીઓની કાયમી ઉકેલ લાવવા માંગ
સલાયા શહેરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાના સંચાલન અને જાળવણી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જામનગર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકાની મુલાકાત લઈ ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ભૂગર્ભ ગટર વ્યવસ્થા તેમજ ડોમેસ્ટિક વેસ્ટ વોટરના ટ્રીટમેન્ટ અંગેની વિવિધ બાબતો ધ્યાન પર આવી હોવાનું જાણવા મળે છે. આ અંગેનો અહેવાલ ગાંધીનગર સ્થિત જીપીસીબીની કચેરીમાં રજૂ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સલાયામાં ડોમેસ્ટિક વેસ્ટ વોટરના ટ્રીટમેન્ટ માટે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) કાર્યરત હોવાનું જણાવાય છે, પરંતુ ભૂગર્ભ ગટર વ્યવસ્થામાંથી આવતા પાણીનું સુધી યોગ્ય રીતે જોડાણ ન હોવાની બાબત તપાસ દરમિયાન સામે આવી હોવાનું જાણવા મળે છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલા ત્રણ પમ્પિંગ હાઉસ બંધ હાલતમાં જોવા મળ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સલાયામાં ભૂગર્ભ ગટર માટે કુલ ત્રણ પમ્પિંગ સ્ટેશન આવેલા છે, પરંતુ ત્રણેય પમ્પિંગ સ્ટેશન કાર્યરત નથી. પમ્પિંગ સ્ટેશન શરૂઆતથી જ નિયમિત રીતે કાર્યરત ન રહેવાના કારણે સમગ્ર ભૂગર્ભ ગટર યોજના તેના મૂળ હેતુ મુજબ ચાલતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સ્થાનિકોનો વધુ આક્ષેપ છે કે ભૂગર્ભ ગટર યોજના શરૂ થઈ ત્યારથી નિયમોનુસાર તેની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી નિયમિત રીતે કરવામાં આવી નથી. પરિણામે ગટર વ્યવસ્થામાં વારંવાર સમસ્યાઓ સર્જાઈ રહી છે.
સલાયાની ભૂગર્ભ ગટર વ્યવસ્થામાં વપરાયેલા પાઇપો નાના હોવાના કારણે પૂરતા પ્રમાણમાં ગંદા પાણીનો નિકાલ થતો ન હોવાની ફરિયાદો છે. ઉપરાંત અનેક સ્થળોએ ભૂગર્ભ ગટરની કુંડીઓ ઉપરના ઢાંકણાં યોગ્ય રીતે ફિટ ન હોવાના કારણે પણ સમસ્યા સર્જાતી હોવાની સ્થાનિકોમાંથી રજૂઆત થઈ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જ્યાં ભૂગર્ભ ગટર ઉભરાવાની ફરિયાદ આવે ત્યાં કુંડીમાંથી ટ્રેક્ટર પંપ દ્વારા ડ્રેનેજનું પાણી બહાર કાઢવામાં આવે છે અને તેને પમ્પિંગ સ્ટેશન નજીક ખાલી કરી દેવામાં આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રીતે માત્ર તાત્કાલિક રાહત આપવામાં આવે છે, પરંતુ ભૂગર્ભ ગટર વ્યવસ્થાની કાયમી અને પ્રોપર કામગીરી તથા મેન્ટેનન્સ કરવામાં આવતું નથી.
આ પરિસ્થિતિને કારણે મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ગંદા પાણી, દુર્ગંધ અને ગંદકીની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો છે. વેપારીઓ તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભૂગર્ભ ગટરના પાણીના યોગ્ય ટ્રીટમેન્ટ અને નિકાલ અંગેની ખામીઓ ધ્યાન પર આવ્યા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણી અધિનિયમ હેઠળ સલાયા નગરપાલિકાને નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ નોટિસ બાદ ભૂગર્ભ ગટર વ્યવસ્થાની કામગીરી અંગે ફરી એક વખત ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
સલાયાના રહેવાસીઓની માંગ છે કે નગરપાલિકા દ્વારા માત્ર ફરિયાદ આવે ત્યારે ગટરનું પાણી કાઢવાની કામગીરી પૂરતી ન રાખવામાં આવે, પરંતુ ત્રણેય પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ધોરણે કાર્યરત કરવામાં આવે, સમગ્ર ભૂગર્ભ ગટર લાઇનની સફાઈ અને મેન્ટેનન્સ કરવામાં આવે, જરૂરી હોય ત્યાં પાઇપલાઇનની ક્ષમતા વધારવામાં આવે, ગટર કુંડીઓના ઢાંકણાં યોગ્ય રીતે ફિટ કરવામાં આવે અને ગંદા પાણીનું નિયમસર મારફતે ટ્રીટમેન્ટ થાય.
લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે ઉભી કરાયેલી ભૂગર્ભ ગટર યોજના જો શરૂઆતથી જ યોગ્ય રીતે કાર્યરત ન હોય અને નિયમિત જાળવણી ન થાય તો તેનો હેતુ જ નિષ્ફળ જાય છે. તેથી નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર વ્યવસ્થાની તટસ્થ તપાસ કરી ખામીઓ દૂર કરી ભૂગર્ભ ગટર યોજનાને સંપૂર્ણપણે કાર્યરત કરવાની તાત્કાલિક જરૂરિયાત છે.
હાલમાં જ મુકાયેલ ચીફ ઓફિસર સોલંકી દ્વારા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવા તેમજ જરૂરી સાધનો લેવા અને સફાઈ સ્ટાફના વધારા માટે નિયમોનુસાર કાર્યવાહી ચાલુ કરેલ છે. લગભગ ૩ વર્ષ ઉપરથી આ નગર પાલિકા ઈનચાર્જ ચીફ ઓફિસર દ્વારા ચલાવાતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
