ઓખા નગરપાલિકા ચૂંટણીમાં આજે ‘કતલની રાત’: કાલે મતદાન

  • October 10, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

ઓખા નગરપાલિકા ચૂંટણીમાં આજે ‘કતલની રાત’: કાલે મતદાન

મતદાન પૂર્વે મતદારોને રીઝવવા પક્ષોની આંતરિક દોડધામ તેજ: ખાટલા બેઠકોનો દૌર શ‚

૩૨ બેઠકો પર ખરાખરીનો જંગ : ૭૫ ઉમેદવારોનું ભાવિ કાલે ઇવીએમમાં થશે કેદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની અત્યંત મહત્વની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬નો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શનિવારે સાંજે જાહેર ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતાં જ સમગ્ર પંથકમાં ’કતલની રાત’ પૂર્વેનો માહોલ જામ્યો છે. જાહેર પ્રચાર પૂર્ણ થયા બાદ હવે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને આગેવાનો દ્વારા અંદરખાને મતદારોને રીઝવવા માટે ઠેર-ઠેર ખાટલા બેઠકો અને આંતરિક ગુપ્ત મિટિંગોનો દોર તેજ બની ગયો છે. રવિવારે, ૧૧ ઓક્ટોબરના રોજ યોજાનાર મતદાન પૂર્વે દરેક પક્ષ પોતાના મતદારોને બૂથ સુધી પહોંચાડવા અને જીત સુનિશ્ચિત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.

ઓખા નગરપાલિકાના કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો પૈકી વોર્ડ નંબર ૪ની તમામ ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેથી હવે બાકી રહેલા ૮ વોર્ડની ૩૨ બેઠકો માટે આગામી ૧૧ ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટીના ૩૨, કોંગ્રેસના ૨૮ અને આમ આદમી પાર્ટીના ૧૫ મળીને કુલ ૭૫ ઉમેદવારો મેદાનમાં છે. અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવાર ન હોવાથી આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો ત્રિપાંખિયો મુકાબલો જોવા મળી રહ્યો છે.
​​​​​​​

ઓખા નગરપાલિકાના છેલ્લા એક દાયકાના ચૂંટણી ઇતિહાસ પર નજર કરીએ તો ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટપણે જોવા મળે છે. વર્ષ ૨૦૧૬ની ચૂંટણીમાં કુલ ૩૬ બેઠકોમાંથી ભાજપે ૨૦ અને કોંગ્રેસે ૧૬ બેઠકો મેળવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૧માં ભાજપે ભવ્ય વિજય મેળવીને ૩૪ બેઠકો પર કબજો જમાવ્યો હતો અને કોંગ્રેસ માત્ર ૨ બેઠકો પર સમેટાઈ ગઈ હતી. હવે ૨૦૨૬ના આ જંગમાં ભાજપ પોતાના વિકાસકાર્યોના હિસાબ અને સંગઠિત પ્રચાર સાથે મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસ અને આપના કાર્યકરો ડોર-ટુ-ડોર સંપર્ક કરીને સ્થાનિક પ્રશ્નો, સફાઈનો અભાવ અને સ્થાનિક રોજગારી જેવા મુદ્દાઓને આગળ ધરીને શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


આશરે ૧૭ કિલોમીટર લાંબા વિસ્તારમાં ફેલાયેલી ઓખા નગરપાલિકામાં ઓખા, બેટ, આરંભડા અને સુરજકરાડી એમ ચાર ગામોનો સમાવેશ થાય છે. ભૌગોલિક અને ઔદ્યોગિક દૃષ્ટિએ આ પાલિકા અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે. બેટ-દ્વારકા ખાતે જગવિખ્યાત દ્વારકાધીશ મંદિર, દેશ-વિદેશમાં જાણીતો બનેલો નવઉડઓયઍતિ સુદર્શન સેતુ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકનું ઓખા બંદર, આશરે ૩,૦૦૦ ફિશિંગ બોટ ધરાવતું ડાલડા મત્સ્ય બંદર તેમજ ટાટા કેમિકલ્સ અને બી.એલ.એ. કોક જેવા મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવેલા છે. આ ઉપરાંત દેશની સુરક્ષા સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાઓની હાજરી પણ આ પાલિકાનું વજન વધારે છે. ચૂંટણી દરમિયાન પ્રજા વચ્ચે લાઈટ, પીવાનું પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, ગટર-સફાઈ અને જમીન દબાણ જેવા સ્થાનિક પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે.

વિશેષ ભૌગોલિક મહત્વ હોવા છતાં ઓખા નગરપાલિકા લાંબા સમયથી વહીવટી અવ્યવસ્થાનો સામનો કરી રહી છે, જે આ ચૂંટણીમાં મોટો મુદ્દો બન્યો છે. પાલિકામાં કાયમી ચીફ ઓફિસરનો અભાવ છે અને દ્વારકાના ચીફ ઓફિસર પાસે ઓખાનો વધારાનો ચાર્જ સોંપાયેલો છે, જેના કારણે વહીવટી કામગીરી મંદ પડી હોવાની નાગરિકોમાં ફરિયાદ છે. વધુમાં, પાલિકા પાસે મોટાભાગે હંગામી સ્ટાફ હોવાથી યોગ્ય તાલીમ અને અનુભવના અભાવે ફાયર વિભાગ, પાણી વિતરણ, સફાઈ, સેનિટેશન અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સેવાઓની ગુણવત્તા પર વિપરીત અસર જોવા મળે છે.

તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો માટે આજની રાત ભારે ઉત્તેજનાભરી બની રહી છે. રવિવારે ચારેય ગામોના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઈવીએમમાં ઉમેદવારોનું ભાવિ કેદ કરશે. ત્યારબાદ ૧૩ ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે, જેમાં સ્પષ્ટ થશે કે ઓખા નગરપાલિકાનું સુકાન ફરી કોના હાથમાં જશે અને કયો પક્ષ પાલિકામાં બહુમતી હાંસલ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application