ગુજરાતના 10 આઈએએસ કેડરના અધિકારીઓને બિહાર વિધાનસભાની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી માટે નિરીક્ષક તરીકેની જવાબદારી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓ બિહાર જશે અને તેની ગેરહાજરીમાં અન્ય અધિકારીઓને તેમના વિભાગનો ચાર્જ સોપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણેને બિહારના નિરીક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે. મિલિંદ તોરવણે પાસે પંચાયત ઉપરાંત ગ્રામ વિકાસ વિભાગના કમિશનરનો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરનો પણ વધારાનો હવાલો છે. આ તમામ જવાબદારી મિલિંદ તોરવણે ગેરહાજરીમાં પ્રવાસન, દેવસ્થાન મેનેજમેન્ટ અને યાત્રાધામ વિભાગના સચિવ તથા ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારને આપવામાં આવ્યો છે. મિલિંદ તોરવણેનો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ નો ચાર્જ વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારને આપવામાં આવ્યો છે.
ક્લાઈમેટ ચેન્જ વિભાગના સચિવ રાહુલ ગુપ્તા પણ બિહારની ચૂંટણીમાં જવાના છે અને તેની જગ્યાએ વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારને ચાર્જ સોંપવામાં આવ્યો છે. મહેસુલ તપાસણી કમિશનર રાજેશ મંજુ ની જવાબદારી સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહને સોપવામાં આવી છે.
ગુજરાત મેરી ટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન રાજકુમાર બેનીવાલ પણ બિહારના નિરીક્ષક બનતા મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન વિભાગના કમિશનર અને રાજકોટના પૂર્વ કલેકટર રેમયા મોહનને તેમની વર્તમાન જવાબદારી ઉપરાંતનો આ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રાહત કમિશનર આલોકકુમાર પાંડે પણ બિહારની ચૂંટણી માટે નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળનાર હોવાથી તેમનો ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ ના જેનું દેવનને સોપવામાં આવ્યો છે, જ્યારે પાંડે પાસે રહેલ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના કમિશનરનો ચાર્જ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશીને સોપવામાં આવ્યો છે.
આ ઉપરાંત પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે, ખાણ અને ખનીજ વિભાગના કમિશનર ધવલકુમાર પટેલ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વાઇસ ચેરમેન નાગરાજન એમ., દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર વી જે રાજપુત અને કાયદો વ્યવસ્થા વિભાગના સંયુક્ત સચિવ હર્ષિત ગોસાવી પણ બિહારની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે જવાબદારી સંભાળવાના છે અને તેમના ચાર્જ અન્ય અધિકારીઓને આપવામાં આવ્યા છે.