BREAKING NEWS

ધોલેરા-ભાવનગર હાઈવે બન્યો બ્લેકસ્પોટ, આજે ફરી બે લક્ઝરી બસ ટકરાતા એક પલ્ટી ગઈ, 10ને ઈજા, 3ની હાલત ગંભીર

  • October 05, 2025 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોલેરા-ભાવનગર હાઈવે બ્લેકસ્પોટ બન્યો હોય તેમ ફરી આજે બે લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક બસ પલ્ટી ખાઈ જતા મુસાફરોની ચીચીયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.  આ ગોઝારા અકસ્માતમાં 10 મુસાફરને ઈજા પહોંચી છે અને ત્રણની હાલત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. 


મળતી માહિતી મુજબ. ધોલેરા-ભાવનગર હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે સવારે ફરી એકવાર હેબતપુર ગામ નજીક બે લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


બંને લકઝરીની ટક્કર એટલી જોરદાર હતી કે એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


બંને લકઝરી બસ ભાવનગર તરફ જઈ રહી હતી

નટરાજ ટ્રાવેલ્સની લકઝરી બસ અને બદ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ભાવનગર તરફ જતી નટરાજ ટ્રાવેલ્સ વળાંક લઈ રહી હતી ત્યારે, પાછળથી આવી રહેલી બદ્રીનાથ ટ્રાવેલ્સ વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. બંને લકઝરી બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી. નટરાજ ટ્રાવેલ્સની બસ રોડ પર પલટી ખાઇ ગઈ હતી, જ્યારે બદ્રીનાથ ટ્રાવેલ્સનો કંડક્ટર સાઇડનો આગળનો ભાગ અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.​​​​​​​


ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતોની વણઝાર

અગાઉ 12મેના રોજ ધોલેરા-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે કાર અથડાતાં અમદાવાદના 3 સગા ભાઈ અને એક પુત્ર સહિત 5 લોકોના મોત થયા હતા. ત્યાર બાદ 25/05/2025ના ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 4 મોત થયા હતા. આમ આ હાઇવે પર 13 જ દિવસમાં બે અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application