BREAKING NEWS

18 વર્ષના યુવકની લાળની નળીમાંથી નીકળી 10 પથરીઓઃ રાજકોટના ENT સર્જને રચ્યો નવો કીર્તિમાન

  • September 21, 2026 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જાણીતા ઇએનટી સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરે તબીબી જગતમાં એક અત્યંત દુર્લભ અને અસામાન્ય કહી શકાય તેવો સફળ કિસ્સો સામે લાવ્યા છે. રાજકોટમાં રહેતા ૧૮ વર્ષીય કેવિન નામના યુવકની ડાબી બાજુની સબમૅન્ડિબ્યુલર લાળની નળીમાંથી એકસાથે ૧૦ પથરીઓ મોઢા વાટે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે. દુનિયાભરમાં આ પ્રકારના કિસ્સાઓ અત્યંત વિરલ માનવામાં આવે છે, જેમાં એક જ નળીમાંથી આટલી મોટી સંખ્યામાં પથરીઓ દૂર કરવામાં આવી હોય.

આ પડકારજનક ઓપરેશનની વિશેષતા એ રહી કે સંપૂર્ણ પ્રક્રિયા મોઢાની અંદરથી જ પાર પાડવામાં આવી હતી. આ પદ્ધતિ અપનાવવાના કારણે દર્દીના ચહેરા કે બહારની ચામડી પર કોઈ પણ પ્રકારનો ચીરો કે દેખાતો ડાઘ રહ્યો નથી. સાથે જ, ડૉક્ટરો દ્વારા સબમૅન્ડિબ્યુલર લાળની ગ્રંથિને પણ સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં સફળતા મળી છે.

પીડિત યુવક કેવિનને છેલ્લા એક મહિનાથી મોઢાની અંદર, ખાસ કરીને ખાતી કે જમતી વખતે જીભ નીચે દુખાવો થવાની અને ડાબી બાજુ જડબા નીચે સોજો આવવાની ગંભીર તકલીફ રહેતી હતી. આ લક્ષણો જણાતા સોનોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં ડાબી બાજુની સબમૅન્ડિબ્યુલર લાળની સિસ્ટમમાં અનેક પથરીઓ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ ડૉ. હિમાંશુ ઠક્કરે સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે સબમૅન્ડિબ્યુલર ગ્રંથિમાંથી મોઢામાં લાળ પહોંચાડતી નળીને 'વ્હાર્ટન્સ ડક્ટ' કહેવામાં આવે છે. આ નળી આશરે પાંચ સેન્ટિમીટર લાંબી અને ખૂબ જ સાંકડી હોય છે. આવી અત્યંત સાંકડી નળીમાંથી એકસાથે ૧૦ પથરીઓ કાઢવી અને ગ્રંથિને પણ બચાવવી એ તબીબી દ્રષ્ટિએ ખૂબ જ જોખમી અને જટિલ પ્રક્રિયા હતી.

સલાઈવરી સ્ટોન એટલે કે લાળની ગ્રંથિ કે તેની નળીમાં ખનિજ તત્વો જમા થઈને કઠણ પથરી બનવાની સ્થિતિ છે, જેને તબીબી ભાષામાં સીયાલોલીથીઆસીસ કહે છે. સામાન્ય રીતે અન્ય ગ્રંથિઓની સરખામણીમાં સબમૅન્ડિબ્યુલર ગ્રંથિમાં પથરી વધુ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે એક જ પથરી હોય છે. આ કેસમાં ૧૮ વર્ષના યુવાનની એક જ નળીમાંથી ૧૦ પથરીઓ મળવી એ ખૂબ જ અસામાન્ય બાબત છે.

આ ઓપરેશન બાદ દર્દીની તબિયત સંપૂર્ણપણે સારી છે અને તેને તે જ સાંજે હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી. આ સમગ્ર કેસ પર પ્રકાશ પાડતા ડૉ. હિમાંશુ ઠક્કરે જનજાગૃતિ સંદેશ આપ્યો છે કે જડબાની નીચે વારંવાર થતો સોજો, દુખાવો કે જમતી વખતે તકલીફ વધવા જેવી ફરિયાદોને ક્યારેય નજરઅંદાજ કરવી જોઈએ નહીં. સમયસર નિદાન કરાવવાથી ગંભીર જટિલતાઓથી બચી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application