BREAKING NEWS

રાજકોટના હડળા પાસે કારે ઠોકરે લેતા 10 વર્ષના બાળકનું પિતાની નજર સામે મોત

  • January 15, 2026 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળે આવેલા હડાળા ગામમાં રોડ ક્રોસ કરી રહેલા 10 વર્ષના બાળકને પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે હડફેટે લેતા ગંભીર ઇજા થતા બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાળક તેના પિતા સાથે ભાગ લેવા માટે ગયો હતો બાદમાં ચાલીને રોડ ક્રોસ કરતાં સમય અકસ્માતની આ ઘટના બની હતી. મકરસંક્રાતિના તહેવારના દિવસે જ પુત્રનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં માતમ છવાય ગયો હતો. બનાવ અંગે કુવાડવા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


રાજકોટ તાલુકાના હડાળા ગામે રહેતા મૂળ ટંકારાના રોહીશાળાના વતની ભરતભાઈ પ્રેમજીભાઈ પારિયા (ઉ.વ. 45) દ્વારા અકસ્માતના આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ જનાના હોસ્પિટલ રાજકોટ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે તેમના પત્નીનું નામ મનિષાબેન છે અને બે સંતાન જેમાં દિવ્યેશ(ઉ.વ.૧૦) અને જાવીન(ઉ.વ. ૭) છે.


ગઈકાલે સાંજના પાંચેક વાગ્યા આસપાસ ભરતભાઈ તથા તેમનો પુત્ર દિવ્ય બંને પિતૃકૃપા સોસાયટીના સામે રોડની સામેની સાઈડ આવેલી દુકાને પુત્રને ભાગ લેવા માટે લઈ ગયા હતા. બાદમાં ભાગ લઇ ભરતભાઈ અહીં દુકાને ઉભા હતા અને તેમનો પુત્ર દિવ્યેશ રોડ ક્રોસ કરતો હતો ત્યારે રાજકોટ મોરબી હાઇવે પર રાજકોટ તરફથી આવતી કારે તેને હડફેટે લેતા તે ફંગોળાઇ રોડની વચ્ચે પડી ગયો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી બેભાન થઈ જતા અહીં લોકો એકત્ર થઈ ગયા હતા.


બાદમાં બાળકને 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની આ ઘટના બાદ કારચાલક પોતાની કાર અહીં જ મૂકીને નાસી ગયો હોય જે કારના નંબર જીજે 10 ડીએન 0473 હતા બાદમાં આ અંગે બાળકના પિતાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application