રાજકોટમાં આજે ફરી એક ગેમઝોનમાં આગની ઘટના સામે આવી છે. શહેર કાલાવડ રોડ પર આવેલા જાણીતા ગેમ ઝોન ફન બ્લાસ્ટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક લાગેલી આગને કારણે અંદર રહેલા લોકોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. જોકે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
મળતી માહિતી મુજબ, જે સમયે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં બાળકો અને પરિવારો હાજર હતા. આગ લાગતા લોકો બહાર નીકળવા દોડ્યા હતા. કેટલાક લોકો જીવ બચાવવા માટે બારીઓ અને પાછળના રસ્તેથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.