BREAKING NEWS

રાજકોટિયન્સો આ 11 ખાણીપીણીની પેઢીમાં જતા પહેલા વિચારજો, 476 કિલો વાસી અને ગંધારો ખોરાક મળ્યો, જુઓ લિસ્ટ

  • July 21, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે ખાણીપીણીની દુકાનોમાં થતી ભેળસેળ પકડવા હાથ ધરેલી ચેકીંગ ડ્રાઇવ અંતર્ગત નોનવેજ રેસ્ટોરન્ટ સહિત કુલ ૧૧ પેઢીઓ સીલ કરવામાં આવતા ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં ૬૪ પેઢી-રેસ્ટોરન્ટની તપાસ કરી કુલ ૪૭૬ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૨૯ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૭૫,૫૦૦નો દંડ વસૂલવામાં આવેલ તથા ચાર સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા હતા. ડ્રાઇવ અંતર્ગત પ્રથમ વખત નોનવેજ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી હાથ ધરી સીલ કરવામાં આવ્યું હતું.


વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી. મેતાએ જાહેર કરેલી વિગતો મુજબ નીચે મુજબના વિવિધ કારણોસર ૧૧ પેઢીઓ સીલ કરી હતી.


નાનામવા રોડ ઉપર મારવાડી બિલ્ડીંગની સામે, બાલાજી કોમ્પલેક્ષ, સિલ્વર હાઇટ્સની પાસે આવેલ હાઉસ ઓફ સ્નેક્સ પેઢીને સીલ કરવામાં આવી હતી ત્યાં આગળ કિચનમાં, ડીપ ફ્રીજમાં, પ્લેટફોર્મ પર, સ્ટોરેજમાં, ચોકડીમાં પુષ્કળ ગંદકી જોવા મળી હતી. ૪૦ કિગ્રા અખાદ્ય, વાસી, પડતર ખોરાકનો નાશ કરી રૂ.પાંચ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.


ઈશ્વરીયા મેઇન રોડ ,માધાપર ગામ એન્ટ્રીગેટ સામે, માધાપર, જામનગર રોડ રાજકોટ મુકામે આવેલ આર.બી ફ્રુડ પ્રોડક્ટપેઢીને સીલ કરવામાં આવેલ તેમજ અનહાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ છે. આ પેઢીમાં પ્રતિબંધિત સિન્થેટિક કલર, સડેલા, કાચા, જમીન પર રાખેલા તેમજ પડતર કાપેલા પપૈયા ૯૦ કિલોનો નાશ કરાયો હતો તેમજ વહીવટ ચાર્જ રૂ.૧૦ હજાર વસુલી ટોમેટો સોસ લુઝનો નમુનો લીધો હતો.


બાલાજી મંદિર ચોક શિરોમણી કોમ્પલેક્ષ સામે ભુપેન્દ્ર રોડ, રાજકોટ મુકામે આવેલ જય અંબે લાઈવ વેફર્સ પેઢીને સીલ કરવામાં આવેલ. લાયસન્સ બાબતે નોટિસ આપેલ છે. સ્થળ પર પડતર દાઝીયા તેલમાં વેફર્સ ફરસાણ વગેરેનું ઉત્પાદન કરતા હોવાનું માલુમ પડેલ. પેઢીમાં ગંદકી દુર્ગંધ યુક્ત સ્ટોરેજ તેમજ દુકાનમાં બિન આરોગ્યપ્રદ વાતાવરણમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળતા પેઢીને ત્રણ હજારનો દંડ વસૂલ કર્યો હતો.


કૃષ્ણ વિદ્યાલય, અંકુર રોડના છેડે, ૧૫૦ ફૂટ રિંગ રોડ મુકામે આવેલ શ્રી જલારામ ટ્રેડર્સ પેઢીને સીલ કરવામાં આવેલ પેઢીમાં મમરા તથા પોહા પ્રોસેસ કરવાનું ફૂડ લાઇસન્સ મેળવેલ ન હોય, સંગ્રહ અને પ્રોસેસિંગ સ્થળ પર બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળેલ તેમજ ભંગાર, ન્યૂસન્સ, જાળાં તથા ઉંદર અને જીવાતનો ઉપદ્રવ જોવા મળેલ ઉપરાંત પેઢી અલગ-અલગ નામથી અસ્તિત્વમાં ન હોય તેવી જલારામ પેકેજિંગ પંચવટી સોસાયટી, ગોંડલ ખાતે દર્શાવેલ પેઢીના નામથી નટરાજ તથા પ્રિન્સ બ્રાન્ડના પેકિંગ પર પ્રિન્ટ કરી વેચાણ કરતી માલૂમ પડેલ હોય પેઢીને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.


પ્રહલાદ પ્લોટ-૨૭ કોર્નર, રાજકોટ મુકામે આવેલ સદગુરુ ફરસાણ નમકીન એન્ડ સ્વીટ પેઢીને સીલ કરવામાં આવી હતી. સ્થળ ઉપર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં દાજીયુ તેલ,પસ્તી કુલ મળીને અંદાજિત ૧૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો.


મવડી બાયપાસ રોડ, રીયલ પ્રાઇમ સામે, રાજકોટ મુકામે આવેલ પટેલ ચાઈનીઝ ભેળ પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી મંચુરિયન, દાજ્યું તેલ કુલ મળીને અંદાજિત ૨૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ રૂ.ત્રણ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.


મક્કમ ચોક, ગોંડલ રોડ, રાજકોટ મુકામે આવેલ ઇન્ડિયા રેસ્ટોરન્ટ પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં નોનવેજ ખોરાક તેમજ ગુજરાતી ખોરાક કુલ મળીને અંદાજિત ૧૪ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી પેઢી પાસેથી રૂ.ત્રણ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરી નોટિસ ફટકારી હતી


મવડી બાયપાસ રોડ, વગડ ચોક પાસે, ધ ફોર્ટીન હાઇટ્સ, રાજકોટ મુકામે આવેલ શ્રીજી ફૂડ ઝોન પેઢીને સીલ કરવામાં આવેલ સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં એક્સપાયરી ડેટ વિતેલ પીઝા બેઝ, બર્ગર - હોટડોગના બન, પાઉં, વાસી મંચુરિયન, બાફેલા બટેટા, ચટણી કુલ મળીને અંદાજિત ૨૪ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો.


મવડી પાળ મેઇન રોડ, વગડ ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ સોનલ સીઝન સ્ટોર એન્ડ ચાઈનીઝ પંજાબી પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી, અખાદ્ય ખોરાક તેમજ પ્રતિબંધિત સિન્થેટિક કલર કુલ મળીને અંદાજિત ૨૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો.


કોઠારીયા હાઉસિંગ, શેરી નં.૧૦ કોર્નર, કોઠારીયા રોડ ઉપર આવેલ શિવ શંકર રેસ્ટોરન્ટ પેઢીને સીલ કરવામાં આવેલ સ્થળ પર આશરે પ્રતિબંધિત સિન્થેટિક કલર કુલ મળીને અંદાજિત ૨૩ કિલોનો નાશ કરવામાં આવ્યો હતો.


લક્ષ્મી નગર શેરી નં.૮, નાના મવા રોડ, રાજકોટ મુકામે આવેલ મહાદેવ પેંડા પેઢીને સીલ કરવામાં આવેલ. ૩૦ કિગ્રા. મીઠો માવો નાશ કરી રૂ.ત્રણ હજારનો દંડ વસૂલ કરેલ તેમજ મીઠો માવો (લૂઝ) નો નમૂનો લેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application