આફ્રિકન દેશો યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાં ઝડપથી ફેલાઈ રહેલા ખતરનાક ઇબોલા વાઇરસના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ આફ્રિકન દેશોમાંથી મુસાફરી કરીને અમદાવાદ આવેલા ૧૧ જેટલા નાગરિકોને તકેદારીના ભાગરૂપે તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઇબોલા વાઇરસને કારણે સર્જાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની જાહેર આરોગ્ય કટોકટીને (પીએચઇઆઇસી) ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ કરી દેવાયું છે.
એએમસીના આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં યુગાન્ડાથી અમદાવાદ આવેલા આ ૧૧ મુસાફરો શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહે છે, જેમાં થલતેજ વિસ્તારના દસ અને જોધપુર વિસ્તારના એક નાગરિકનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે આ તમામ લોકો હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમનામાં ઇબોલાના કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી, તેમજ તેઓ ત્યાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. છતાં નિયમ મુજબ આ ત્રણેય દેશોમાંથી આવતા દરેક નાગરિક માટે ફરજિયાત સેલ્ફ હોમ આઇસોલેશન અને સ્ક્રીનિંગના નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
રોગના સંભવિત સંક્રમણને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટ, એરપોર્ટ ઓથોરિટી અને સિવિલ હોસ્પિટલ સાથે સતત સંકલનમાં છે. એસવીપી હોસ્પિટલમાં ઇબોલાના શંકાસ્પદ દર્દીઓને ક્વોરેન્ટાઇન અને સારવાર આપવા માટે અલગથી ૬૦ બેડનો અદ્યતન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જો કોઈ પણ મુસાફર અસરગ્રસ્ત દેશોમાંથી પ્રવાસ કરીને આવ્યો હોય અને તેનામાં લક્ષણો દેખાય, તો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરીને આઇસોલેટ કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી શહેરમાં એક પણ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ નોંધાયો નથી.
આંતરરાષ્ટ્રીય સરહદો પરથી વાઇરસના પ્રવેશને અટકાવવા સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (ડીજીસીએ) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા એન્ટ્રી પોઈન્ટ પર કડક નિયમો લાગુ કરાયા છે. બધી એરલાઇન્સ માટે મુસાફરો પાસે 'સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ' ભરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે, જે ફ્લાઇટના આગમન પહેલાં જ પૂરું કરવાનું રહેશે જેથી એરપોર્ટ પર ભીડ ટાળી શકાય. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સની ટીમ ૨૪x૭ તૈનાત છે. ખાસ કરીને આફ્રિકાની કનેક્ટિંગ ફ્લાઇટ્સના સમય દરમિયાન, એટલે કે સાંજે ૬ વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.