રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ ઉપર આજી નદીકાંઠાના જંગલેશ્વર વિસ્તારમાંથી ૧૪૮૯ ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવા રાજકોટ શહેરના ઇતિહાસનું સૌથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કુલ ૧૧૩૦ મ્યુનિ.કર્મચારીઓને ફરજ ઉપર તૈનાત રાખવામાં કરાયા છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનું માઇક્રો પ્લાનિંગ કરાયું હતું જેમાં ૧૪૮૯ દબાણકર્તાને અગાઉથી નોટીસ અને તક અપાઇ હતી. તા.૧૯ ફેબ્રુઆરીથી મ્યુનિ.ટીમોએ સ્થળ ઉપર માર્ગદર્શન અને સૂચના આપી હતી. ત્રણ દિવસની સમય મર્યાદાની અંતિમ સૂચના પણ જારી કરી હતી. મેગા ડિમોલિશન પૂર્વે ડોર ટુ ડોર રૂબરૂ જઇને દબાણો દૂર કરવા અપિલ કરાઇ હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તેમજ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત પોલીસ અને પીજીવીસીએલ સહિતના સરકારી વિભાગો સાથે સતત જરૂરી સંકલન કરવામાં આવ્યું હતું. દબાણગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારનું અલગ અગલ સાત ઝોનમાં વિભાજન કર્યું હતું અને સાત ઝોનમાં ૧૧૩૦થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની તૈનાત કર્યા હતા. સમગ્ર પ્રક્રિયાનું મ્યુનિસિપલ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરીંગ કરાયું હતું. ૨૬૦થી વધુ મશીનરી અને માનવબળ સાથે મેગા ડિમોલિશનનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષા અને આવશ્યક સેવાઓ માટે મેડિકલ ટીમ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સેવા સ્થળ ઉપર ઉપલબ્ધ રાખવામાં આવી છે. સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં ચકલું પણ ન ફરકી શકે તેવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે.