દિવાળીના તહેવારો દરમિયાન જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ફટાકડાની આતશબાજીને કારણે આગના નાના-મોટા બનાવોમાં વધારો થયો હતો. દિવાળી અને બેસતા વર્ષ સહિતના ત્રણ દિવસના સમયગાળા દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં આગના કુલ ૧૧૬ બનાવો નોંધાયા હતા. આટલી મોટી સંખ્યામાં આગના બનાવો બનતાં જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની ટીમને ભારે દોડધામ કરવી પડી હતી. જોકે, અગાઉથી જ કરવામાં આવેલા આયોજન અને નવ અલગ અલગ સ્થળોએ ગોઠવવામાં આવેલી ફાયર બ્રિગેડની વ્યવસ્થાના કારણે તમામ સ્થળોએ સમયસર પહોંચી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સદનસીબે કોઈપણ સ્થળે જાનમાલને નુકસાન થયું હોવાનો અહેવાલ મળ્યો નથી.
દિવાળીના તહેવારો દરમિયાન આગના બનાવોની સંભાવનાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ફાયર અધિકારી ભાવેશ જાની, ફાયર ઓફિસર જયવીરસિંહ રાણા અને અનવર ગજ્જણની રાહબરીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરને અલગ અલગ નવ વિભાગમાં વહેંચીને નવ સ્થળોએ ફાયર બ્રિગેડનાં વાહનો અને જવાનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના કારણે કોઈપણ વિસ્તારમાં આગનો બનાવ બને ત્યારે નજીકની ટીમ તાત્કાલિક રવાના થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
ત્રણ દિવસ દરમિયાન આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર બ્રિગેડ દ્વારા આશરે સાડા સાત લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માટે પાણીના સવાસોથી વધુ ફેરા કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડનાં ટેન્કરોને અલગ અલગ સ્થળોએ આવેલા પાણીના સંપ અને પંપહાઉસમાંથી સતત પાણી ભરીને આગ બુઝાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. કેટલીક જગ્યાએ પીજીવીસીએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.આગના કુલ ૧૧૬ બનાવોમાં મોટા ભાગના સ્થળોએ એક પાણીના ટેન્કરથી જ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે, આશરે ૧૫ જેટલા સ્થળોએ આગનું પ્રમાણ વધુ હોવાથી બે અથવા ત્રણ પાણીનાં ટેન્કરોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
ખાસ કરીને વાલસુરા રોડ પર આવેલી રોજી વીડી વિસ્તારમાં ફટાકડાનો તણખો પડતાં આગ લાગી હતી અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સ્થળે આગ બુઝાવવા માટે જામનગર ફાયર બ્રિગેડનાં ચાર પાણીનાં ટેન્કરો કામે લગાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વાલસુરા તરફથી પણ એક ફાયર ફાઇટર વાહન પાણી સાથે મદદ માટે પહોંચ્યું હતું. સંયુક્ત પ્રયાસોના પરિણામે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. દિવાળીના ત્રણ દિવસ દરમિયાન સતત મળતા આગના કોલ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો, અધિકારીઓ અને તાલીમબદ્ધ કર્મચારીઓએ રાત-દિવસ ફરજ બજાવી હતી. અગાઉથી કરવામાં આવેલી વ્યવસ્થા, ઝડપી પ્રતિસાદ અને ટીમવર્કના કારણે ૧૧૬ સ્થળોએ આગ બુઝાવવાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ ઉપરાંત ઘટનાસ્થળે પહોંચવા માટેનો સમયગાળો પણ ચાર મિનિટનો રાખવામાં આવ્યો હતો. એટલે કે ફાયર બ્રિગેડની ટીમ રવાના થયા બાદ ચાર મિનિટની સમયમર્યાદામાં ઘટનાસ્થળે પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નવ અલગ અલગ સ્થળોએ ફાયર બ્રિગેડનાં વાહનો અને સ્ટાફને તૈયાર રાખવામાં આવ્યાં હોવાથી નજીકની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી શકાતી હતી. આવી ઝડપી વ્યવસ્થાના કારણે દિવાળીના ત્રણ દિવસ દરમિયાન આગના ૧૧૬ બનાવોમાં ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી શકી હતી અને આગને વધુ વિકરાળ બનતી અટકાવી જાનમાલનું મોટું નુકસાન થતું અટકાવવામાં સફળતા મળી હતી. જામનગર મ્યુ. કમિશ્નર દ્વારા દિવાળીના દિવસો દ્વારા ફાયર બ્રિગેડની ત્વરીત કામગીરીને બિરદાવવામાં આવી હતી.