રાજકોટમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ગ્રાહકોના હિતની રક્ષા કરવા અને વેપારમાં પારદર્શિતા જાળવવાના હેતુથી સોના-ચાંદીની દુકાનો અને જ્વેલરી શો-રૂમ પર વિશેષ આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન રાજકોટ શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા સોના-ચાંદીના વેપારીઓ અને જ્વેલરી શો-રૂમની તોલમાપ તંત્ર દ્વારા અચાનક તપાસ કરવામાં આવી હતી. તપાસમાં અનેક એકમોમાં કાયદા મુજબ ફરજિયાત ચકાસણી અને મુદ્રાંકન વગર વજનકાંટાનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું હતું. ૧૨ પ્રોસિક્યુશન કેસ, રૂ. ૩૪ હજારની માંડવાળ વસૂલ
આ કાર્યવાહીમાં રાજકોટના વિવિધ વેપારીઓ સામે ૧૨ પ્રોસિક્યુશન કેસ નોંધવામાં આવ્યા હતા. કાયદેસર કાર્યવાહી કરીને વેપારીઓ પાસેથી કુલ રૂ. ૩૪,૦૦૦ જેટલી માંડવાળ ફી વસૂલવામાં આવી હતી.
મુખ્યત્વે કેટલીક ગેરરીતિઓ સામે આવી
૧. ચકાસણી અને મુદ્રાંકન વગરના વજનકાંટાનો ઉપયોગ.
૨. વજનકાંટાની ચકાસણી અર્થે પ્રમાણિત બુલિયન વજનો વસાવેલ ન હતાં.
૩. વજનકાંટાનું કાનૂની પ્રમાણપત્ર પ્રદર્શિત ન હતું કરાયું.
આ તમામ બાબતો કાનૂની માપવિજ્ઞાન અધિનિયમ અને નિયમોનો ભંગ ગણાતા હોવાને કારણે વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. સોના-ચાંદીની ખરીદી વખતે હંમેશા ચકાસણી અને મુદ્રાંકન થયેલા વજનકાંટાનો જ ઉપયોગ થાય છે કે નહીં, તેની ખાતરી કરવી તથા પ્રમાણપત્ર દેખાય છે કે નહીં તે તપાસવા, મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે