રાજકોટની 13 વર્ષની બળાત્કાર પીડિતાને 12 મેએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગયા અઠવાડિયે તેણીની 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવેલી, તેણે શનિવારે સાંજે રાજકોટની હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો. છોકરીની માતાએ ગયા અઠવાડિયે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યારે રાજકોટ સેશન કોર્ટે 6 મેના રોજ ગર્ભપાત માટે તેણીની અરજી ફગાવી દીધી હતી. કારણ કે તે ખૂબ નાની ઉંમરની છે અને ગર્ભાવસ્થા અંતિમ તબક્કામાં હતી.
સગીરાએ બાળકીને જન્મ આપ્યો
આ મામલે હાઇકોર્ટમાં પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટની મંજૂરી બાદ મેડિકલ વ્યવસ્થા માટે સગીરાને જનાના હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી. જોકે અહીંયા ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે દરમિયાન સગીરાએ બાળકીને જન્મ આપ્યો.
હોસ્પિટલ સ્ટાફ સગીર માતા અને નવજાત બંનેની દેખરેખ રાખી રહ્યો છે
હોસ્પિટલ સ્ટાફ માતા અને નવજાત બંનેની દેખરેખ રાખી રહ્યો છે, જેઓ એક અઠવાડિયા સુધી નિરીક્ષણ હેઠળ રહેશે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સુધીર રાણેએ જણાવ્યું હતું કે, તબીબી નિષ્ણાતોની સમિતિ દ્વારા મૂલ્યાંકન બાદ પ્રક્રિયા કરવામાં આવી હતી અને રાજકોટની જનાના હોસ્પિટલમાં શનિવારે બાળકની ડિલિવરી કરવામાં આવી હતી.
જાણો શું છે સમગ્ર ઘટના?
આ મામલે મહારાષ્ટ્ર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી 29 એપ્રિલ, 2025ના રોજ રાજકોટની બી-ડિવિઝન પોલીસને મોકલી આપી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી. જેમાં 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ કેસમાં બે સગીર પર કિશોરીને ગર્ભવતી બનાવવાનો આરોપ લાગ્યો હતો. પરિચિત સગીર અને તેના મિત્રએ અલગ-અલગ સમયે દુષ્કર્મ ગુજાર્યાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.ત્યાર બાદ રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને સગીર ધરપકડ કરી બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડ્યા હતા.
મહારાષ્ટ્રમાં ડોક્ટરે 5 માસનો ગર્ભ હોવાનું કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે ભોગ બનનારી કિશોરીની ઉંમર 13 વર્ષ છે અને થોડા દિવસો પહેલાં તે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. અહીં તેને પેટમાં દુખાવો ઊપડતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયાં હતાં. એ વખતે ડૉક્ટરે તેના પેટમાં 5 માસનો ગર્ભ હોવાનું કહેતાં તેનાં માતા-પિતા ચોંકી ઊઠ્યાં હતાં.
દુષ્કર્મ ગુજારી કિશોરીને જાનથી મારવાની ધમકી આપી
પોલીસે ભોગ બનનાર બાળકીની પૂછપરછ કરતાં તેણે એક નહીં, પરંતુ બે-બે તરુણે તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું, જેમાંથી એક તરુણની ઉંમર 16 વર્ષ આસપાસ છે, જ્યારે બીજા તરુણની ઉંમર 13 વર્ષની આસપાસ છે. 16 વર્ષનો તરુણ ભોગ બનનારી કિશોરીનો નજીકનો સંબંધી છે. તેણે ભોગ બનનારી કિશોરીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી, જેના કારણે તેણે તેનું નામ માતા-પિતાને જણાવ્યું નહોતું.
તરુણના મિત્રએ નવરાત્રિમાં દુષ્કર્મ ગુજાર્યું હતું
આ જ કારણથી ફરિયાદમાં માત્ર એક જ તરુણનું નામ હતું. જે તરુણે ભોગ બનનાર કિશોરી ઉપર ગત નવરાત્રિ દરમિયાન એક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે ભોગ બનનારી કિશોરીનો જે નજીકનો સંબંધી છે, તેણે 6થી 7 વખત દુષ્કર્મ ગુજાર્યાનું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે તેનાં માતા-પિતા જ્યારે કામ પર જતાં ત્યારે તેનો નજીકનો સંબંધી તરુણના ઘરે આવી તેના પર દુષ્કર્મ ગુજારતો હતો. જ્યારે તેના સંબંધી તરુણના મિત્રએ ગત નવરાત્રિ દરમિયાન એક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.
2017માં સુપ્રીમે 32 વીકના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી
વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે મુંબઈની 13 વર્ષીય દુષ્કર્મ પીડિતાનો 32 અઠવાડીયાના ગર્ભનો ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી. આ સગીરા પર તેમના પિતાના જ એક ઓળખીતા વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું.
જ્યારે 2024માં પણ સુપ્રીમ કોર્ટે 14 વર્ષની સગીરાનો 30 વીકના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઇકોર્ટે ગર્ભપાતને નામંજૂર કર્યો હતો. ત્યાર બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech