રાજકાટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં રણછોડનગર પાસે આવેલા ચંપક નગરમાં મકાનમાંથી 130 કિલો ચાંદીની ચોરીનો બનાવ બનતા ચારે ચકચાર મચી જવા પામી છે. ચોરીના બનાવને લઇ બી ડિવિઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવસ્થળે દોડી ગયા હતા. અહીં મકાન ભાડે રાખી ચાંદીના દાગીનાનો વેપાર કરનાર શકિત સિલ્વર પેઢીના અતુલભાઇ બુશાના મકાનમાં રાત્રીના બે વાગ્યા આસપાસ ક્રેટા કારમાં આવેલા ત્રણ શખ્સોએ મકાનમાંથી તૈયાર ચાંદીના દાગીના કારમાં ભરી નાસી ગયા હતા. આ ચાંદી 50 ટચ હોવાનું જાણવા મળ્યું છે. જેની અંદાજિત કિંમત દોઢ કરોડથી વધુની હોવાનું માલુમ પડ્યું છે. 130 કિલો ચાંદીની ચોરીના બનાવને લઈ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ અહીં કામ કરનાર કારીગરોની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ચંપકનગર-૧ ના ખૂણે બ્રહ્મક્ષત્રિય સમાજની વાડી સામે આવેલા મકાનમાં શક્તિ સિલ્વર નામની પેઢી ધરાવનાર અતુલભાઇ લીંબાભાઈ બુસા નામના વેપારી ચાંદીના દાગીના બનાવી વેચવાનો વ્યવસાય કરે છે. આજ રોજ સવારે અહીં આવતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું. બાદમાં તપાસ કરતા મકાનમાંથી અંદાજિત 130 કિલો ચાંદીના દાગીનાની ચોરી થયાનો ખ્યાલ પડતા તુરંત જ પોલીસને જાણ કરી હતી. બનાવને લઈ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.એસ. રાણે તથા ટીમ તાકીદે અહીં પહોંચી ગઈ હતી.
કરોડોની કિંમતની ચાંદીની ચોરીના બનાવના પગલે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ડીસીપી ઝોન-૧ વન હેતલ પટેલ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા તથા ડીસીબી અને એલસીબીની ટીમ અહીં પહોંચી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વેપારી અતુલભાઇ બુસાએ તેમના મિત્ર બીપીનભાઈનું આ મકાન છેલ્લા છએક માસથી ભાડે રાખ્યું હતું અને તેઓ અહીં ચાંદી કામનો વ્યવસાય કરતા હતા. મકાનના ઉપરના માળે અન્ય ભાડુઆત રહે છે. રાત્રિના ચોરીનો આ બનાવ બન્યા બાદ સીસીટીવી ફૂટેજ ચકાસતા રાત્રિના દોઢથી અઢી વાગ્યા દરમિયાન ક્રેટા કારમાં આવેલા શખસો મકાનમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરી કારમાં ભરી નાસી ગયા હોવાનું નજરે પડ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો દેખાયા હતા.
પોલીસે આ ફૂટેજના આધારે 130 કિલો ચાંદીની ચોરી કરનારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અહીં કામ કરનાર બે કારીગરોની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ચોરીની આ ઘટનામાં જાણભુદુનો હાથ હોવાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
રેકી કરી ચોરીના બનાવને અંજામ આપ્યાની શંકા
શહેરના ચંપકનગર-૧ ના ખૂણે શક્તિ સિલ્વર નામની પેઢીના વેપારી અતુલભાઈ બુશાના મકાનમાંથી રાત્રિના 130 કિલો ચાંદીની ચોરીનો બનાવ બન્યો છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરતા રાત્રિના ક્રેટા કારમાં આવેલા શખસોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જે પ્રકારે આ શખસો ચોરી કરી નાસી ગયા તે જોતાં તેઓએ અગાઉ રેકી કર્યા બાદ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખસો દેખાયા
ચોરીના આ બનાવ બાદ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા રાત્રિના બે વાગ્યા આસપાસ ક્રેટા કારમાં આવેલા શખસોએ ચોરીના બનાવને અંજામ આપ્યાનું નજરે પડ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખસો દેખાયા હતા.
એડિશનલ સીપી ડીસીપી સહિતનો પોલીસ કાફલો, સભ્ય ઉદયભાઇ કાનગડ દોડી ગયા
ચોરીના આ બનાવને લઇ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, એસઓજી સહિતની ટીમ અહીં પહોંચી હતી. આ ઉપરાંત ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ ચોરીના આ બનાવને લઈ અહીં પહોંચ્યા હતા અને સમગ્ર બનાવવા અંગે માહિતી મેળવી હતી.
બે કારીગરો કામ કરતા હતા
ઉપલાકાંઠા વિસ્તારમાં જે મકાનમાંથી ૧૩૦ કિલો જેટલી ચાંદીની ચોરી થઈ તે જગ્યાએ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવતા જાણવા મળ્યું કે, અહી બે કારીગરો કામ કરતા હતા. જેમની પોલીસે તપાસના અર્થે પૂછપરછ આદરી છે. આ ચોરીમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે તો આવનારો સમય જ બતાવશે.