↵જામનગર જિલ્લાના આંગણવાડી કાર્યકર મહિલાઓએ મતદાન માટે જાગૃતિનો સંદેશ આપ્યો
વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે કાર્યકરો અને બાળકોના વાલીઓએ મતદાન કરવા અંગે શપથ લીધા
આગામી તા.૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અન્વયે જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં મતદાન યોજાવાનું છે. વધુમાં વધુ લોકો ચૂંટણીમાં મતદાન કરે તે હેતુથી જામનગર જિલ્લામાં આવેલ વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકરો અને બાળકોના વાલીઓએ મતદાન કરવા અંગે શપથ લીધા હતા.
જિલ્લામાં વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોને લેવા - મૂકવા આવેલા વાલીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વાલીઓને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
સૌએ પ્રતિજ્ઞા લીધી હતી કે, "અમે, ભારતના નાગરિકો, લોકશાહીતંત્રમાં શ્રધ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું."
આ પહેલનો મુખ્ય ઉદેશ્ય બહોળી સંખ્યામાં લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો હતો.