રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં મોટી ચોરીની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. રણછોડનગર શેરી નંબર-1માં રહેતા ચાંદીના વેપારીના ઘરમાંથી તસ્કરોએ રાત્રિના સમયે અંદાજે 130 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરીની આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ અતુલ પટેલ નામના વેપારી ચાંદીના દાગીનાનો વ્યવસાય કરે છે. તેમના ઘરમાં રાખેલા મોટી માત્રામાં ચાંદીના દાગીનાને નિશાન બનાવી તસ્કરોએ સુનિયોજિત રીતે ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રિના સમયે ઘર બંધ હોવાનો લાભ લઈ અજાણ્યા તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા અને અલમારી તથા સ્ટોર રૂમમાંથી ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા.
ચોરીની જાણ થતા જ વેપારી અતુલ પટેલે તાત્કાલિક સ્થાનિક પોલીસને માહિતી આપી હતી. સાથે જ તેમણે આ ગંભીર ઘટનાની જાણ ધારાસભ્ય ઉદય કાનગડને પણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા ડીસીપી ક્રાઈમ, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
પોલીસ દ્વારા ઘટના સ્થળે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. પ્રાથમિક તપાસમાં ચોરી આયોજનબદ્ધ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે તસ્કરોને ઘરમાં ચાંદીના દાગીના હોવાની સંપૂર્ણ માહિતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
140 કિલો જેટલી મોટી માત્રામાં ચાંદીના દાગીનાની ચોરી થતાં વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારીઓ દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં ચોરીનો ભેદ ઉકેલવા માટે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવશે.
આ ઘટનાએ રાજકોટ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે અને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.